સંતરામપુરઃ મહિસાગર જિલ્લાના સંતરામપુર નજીક આવેલા આંજણવા ગામે પોલીસે છાપો મારીને મકાનમાં ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટોનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે ડુપ્લિકેટ નોટોના જથ્થા સાથે એક મહિ લાની અટકાયત કરી છે. જયારે મહિલાનો પતિ પોલીસ પહોંચે તે પહેલા જ ફરાર થઈ ગયો હતો. પોલીસે રૂપિયા 17 હજારની ડુપ્લિકેટ નોટો કબજે કરીને ગુનો નોંધી નોટોને એફએસએલ ખાતે મોકલી આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહિસાગર જિલ્લાના સંતરામપુર પોલીસે તાલુકાના આંજણવા ગામના મકાનમાંથી 17 હજારની નકલી નોટોના જથ્થો પકડીને ષંડયત્રનો પર્દાફાશ કર્યો હતો. આંજણવાનો મનસુખભાઇ ડામોરના મકાનમાં નકલી ચલણી નોટોનો જથ્થો સંતાડ્યો છે. તેવી બાતમી સંતરામપુર પોલીસ મથકના પીઆઇ એમ.બી મછારને મળી હતી. પોલીસે આંજણવા ગામે મનસુખના ધરે છાપો મારીને નકલી નોટોની શોધખોળ કરી હતી. પોલીસે ઘરમાં મનસુખના કપડાની તપાસ કરતા પેન્ટના ખિસ્સામાંથી રૂા. 500ની ડુપ્લિકેટ 34 નંગ નકલી નોટોનો જથ્થો મળ્યો હતો. પોલીસે મનસુખની પત્ની સવિતાની અટકાયત કરી હતી.
પતિ મનસુખ અને તેની પત્ની સવિતાએ 17 હજારની બનાવટી ચલણી નોટો પોતે અથવા બીજા વ્યક્તિ પાસે બનાવી ચલણી નોટો બનાવટી હોવાનુ જાણવા છતાં તેનો ખરી તરીકે ઉપયોગ કરવાના હેતુથી કબજાના રહેણાંક મકાનમાં ગુપ્ત રીતે રાખ્યાની ફરીયાદ સંતરામપુર પોલીસ મથકે નોધાવી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ નકલી નોટો મકાનમા રાખનારો મનસુખ ડામોર ડ્રાઇવર છે. ડમ્પર લઇને હાલોલ, સુરત સહિતના શહેરોમાં ફેરો મારતો હતો. પોલીસના છાપા દરમિયાન મનસુખ હાજર મળ્યો ન હતો. સવિતાબેનની પુછપરછ કરતાં તે કશું જાણતી ન હોવાનુ જણાવી રહી છે. મનસુખ કયાંથી નકલી નોટો લાવ્યો તેની પકડાયા બાદ જાણ થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, આંજણવા ગામે મકાનમાંથી 17 હજારની બનાવટી નોટો પકડયા બાદ પોલીસે બેંક અધિકારીને બતાવતાં નોટો અસલ જેવી લાગતાં બેંકના અધિકારી પણ અચંબીત થઇ ગયા હતા. નકલી નોટો ઝેરોક્ષ મશીનની છે કે નહિ તે એફએસએલનો રીપોર્ટ બાદ ખબર પડશે. હાલ તો મુખ્ય આરોપી મનસુખ ફરાર છે. તે પકડાયા બાદ નકલી નોટો કયાથી લાગ્યા, બજારમાં કેટલી નકલી નોટો વટાવી છે. તેની ખબર પડશે. પોલીસે મકાનમાં તપાસ કરતા અલગ અલગ કલરના કાગળોનો જથ્થો પણ મળી આવ્યો હતો. નોટોની સાઇઝ જેવા લાગતાં અલગ અલગ કલરના કાગળો પણ પોલીસે જપ્ત કર્યો હતો.