Site icon Revoi.in

ગુજરાતમાં નકલી નોટોનું રેકેટ, ભાવનગરમાં 2000ની દરની 6951 જાલીનોટ સાથે 5 શખસો પકડાયા

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી નકલી ચલણી નોટો પકડાઈ રહી છે. ત્યારે ભાવનગર શહેરમાંથી 1 કરોડ 39 લાખ રૂપિયાની ફેક ચલણીનોટનું રેકેટ પકડવામાં પોલીસને સફળતા મળી હતી. ભાવનગર પોલીસે 2000ના દરની 6951 જાલીનોટ સાથે પાંચ શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે શ્રીરામ સોસાયટીમાં દરોડો પડ્યો હતો. આ અંગે આજે આઇ.જી અશોકકુમાર યાદવ તથા એસ.પી. રવીન્દ્ર પટેલે વિગતો આપી હતી.

ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના ઘોઘારોડ ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં દરોડો ફેક ટલણી નોટોનું રેકેટ પકડાયુ હતુ. પોલીસને સર્ચ દરમિયાન રૂ.2000 ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો, કલર પ્રિન્ટર, ઝેરોક્ષ, સ્કેનર વડે છાપી રૂપિયા 2000 ના દરની બનાવટી ચલણી નોટ નંગ-6951 જેનું અંકિત બજાર મુલ્ય 1,39,02,000 સાથે મળી આવી હતી તથા બનાવટી નોટ છાપવાની સાધન સામગ્રી, રોકડ રૂપિયા 17050 તથા કલર સ્કેનર પ્રીન્ટર ઝેરોક્ષ મશીન-1 ફુટ પટ્ટી-3 તથા મોબાઇલ ફોન-5, આધારકાર્ડ-4, ભાડાકરારની નકલ-1 વિગેરે મળી કુલ કિ.રૂ.1,97,700 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસે આ કેસમાં હિરેન રમેશભાઇ, હાર્દિક ભુપતભાઇ, પંકજ જીવાભાઇ, અયુબ ઉસ્માનભાઇ, મેરાજ કુરશીભાઇની ધરપકડ કરી હતી. જ્યારે સુરેશભાઇ મોહનભાઇ, જાવેદ, હાજીભાઇ સરમાળી અને મહંમદરફિક ઉસ્માનભાઇ કુરેશીને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ જાલી નોટ કાંડમાં સંડોવાયેલ આઠ શખ્સો વિરુદ્ધ સ્થાનિક ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આટલો મોટો જાલી નોટોનો જથ્થો મળી આવતા ભાવનગર સહિત રાજ્યભરમા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  ભાવનગરના ગાયત્રીનગર પાસે આવેલ શ્રી રામ સોસાયટીમાંથી 1.39 કરોડની જાલી નોટ સાથે ઝડપાયેલા પાંચ આરોપી પૈકી એક આરોપી અગાઉ 2017ની સાલમાં પણ જાલી નોટ છાપવાના કેસમાં ઝડપાયો હતો તેમ જ અન્ય બે આરોપીઓ પણ જુગારમાં મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા હોવાને પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જાલીનોટ પ્રકરણમાં ઝડપાયેલા હિરેન અગાઉ જુગારના કેસમાં ઝડપાયો હતો. તેમ જ આરોપી હાર્દિક અને પકડવાનો બાકી સુરેશ બંને અગાઉ 11 લાખની ચાલી નોટ છાપવાના કેસમાં ઝડપાયા હતા જેવો હાલ જામીનમુક્ત છે. આરોપી પંકજ ભરતનગર પોલીસ મફતમાં જુગારના કેસમાં ઝડપાયો હતો તેમ જ આરોપી અયુગ ઘોઘા તથા વરતેજ પોલીસ મથકમાં મારામારીના ગુનોમાં સંડોવાયેલા હતા ત્યારે અન્ય આરોપીને વર્ષ 2009માં ડીસા પોલીસ સ્ટેશનમાં જાલી નોટના કેસમાં ઝડપાયો હતો અને સાત વર્ષ જેલની સજા કાપી મુક્ત થયો હતો.

જાલી નોટ પ્રકરણમાં પકડાયેલા આરોપીઓ તથા પકડવાના બાકી આરોપીઓ પૈકી હિરેન તથા પંકજ સાળો બનેવી થાય છે. જ્યારે આરોપી હાર્દિક તથા સુરેશ જમાઈ તથા કાકાજી સસરા થાય છે. બાકીના આરોપીઓ એકબીજાના મિત્રો હોય જેલમાં મુલાકાત થયા બાદ જેલ મુક્ત થતાં જ આરોપીઓએ એકબીજાનો સંપર્ક કરી ઓછી મહેનતે વધુ નફો કમાવવા અને ધનવાન બનવાની લાલચે કાવતરું રચી મુંબઈ ખાતેથી પ્રિન્ટર લાવ્યા બાદ બનાવટી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યુ હતુ. અને બનાવટી ચાલની નોટ બજારમાં વહેતી મૂકે તે પહેલા જ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઓપરેશન પાર પાડી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા.