અમદાવાદઃ ગુજરાતમાં ગીધની વસતીમાં ચિંતાજનક ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગીધના સંરક્ષણ માટે પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગીધની વસતી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવતી હોય છે. લુપ્ત થતી પ્રજાતિ ગીધની રાજ્ય વ્યાપી બે દિવસીય ગણતરી શરૂ કરવામાં આવી હતી. હવે તમામ જિલ્લાઓમાંથી વસતીના આંકડા મળ્યા બાદ ગુજરાતમાં કેટલા ગીધ છે, તેના આંકડાં જાહેર કરવામાં આનવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના વનક્ષેત્રોના સ્થાનિક ગિધની કુલ ચાર પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. છેલ્લા બે દિવસથી ગીર ફાઉન્ડેશન ગુજરાત વન વિભાગ દ્વારા ગીધ વલચરની વિવિધ પ્રજાતિઓ અંગેની ગણતરી શરૂ કરવામાં આવી હતી. ગીધની પ્રજાતિઓની વસ્તી અંદાજની કામગીરી રાજ્યમાં જે વિસ્તારમાં ગીધની ઉપસ્થિતિ હોય તેવી સંભાવના તેમજ તેમના વિસ્તારોમાં ગણતરી કરવામાં આવી હતી. ગીધ પક્ષીઓનું અસ્તિત્વ હોઈ શકે તેવા સંભવિત સ્થળો જેવા કે પાંજરાપોળ, મૃત પ્રાણીઓના નિકાલની જગ્યાઓ, નારીયેળી વગેરે જગ્યા ઉપર ગીધની ગણતરીઓ કરવામાં આવી રહી હતી. જેમાં સફેદ ગીધ, ખેરો, ગિરનારી ગીધ અને કિંગ ગિધનો સમાવેશ થાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં જાફરાબાદના નાગેશ્રી, ખાંભા, તુલસીશ્યામ રેન્જનું પીપળવા, વિડી, ખાંભાનું હનુમાન ગાળા, જૂનાગઢનો ગિરનાર પર્વત, દેવળીયા પાર્ક, આંબરડી પાર્ક, પનીયા સેંચૂરી અને સૌરાષ્ટ્રના સાસણના જંગલોમાં પણ ગીધ જોવા મળે છે. ગીધની વસ્તી ગણતરી માટે ગિરનાર રેન્જમાં અલગ અલગ 13 ટીમો બનાવવામાં આવી હતી. જેમાં ગીધની અવર-જવર તેમજ તેના સાંકેતિક કોડ અને તે કેટલી ઊંચાઈ પર ઉડે છે, કઈ જગ્યાએ જાય છે તે અંગે અવલોકન કરવામાં આવ્યું હતુ. બે દિવસ સતત તેની ગણતરી પૂર્ણ થતાં હવે તેનો રિપોર્ટ વન વિભાગના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવશે. શેડ્યુલ વન કક્ષાના પક્ષી ગીધની ગણતરી કરવામાં આવી હતી ત્યારે તેના સંવર્ધન માટે શું કરી શકાય તે અંગે આગામી સમયમાં કામગીરી ઉપર ચર્ચા કરાશે. સમગ્ર રાજ્યમાં જ્યાં પણ ગીધ હોવાની શક્યતાઓ છે અને વસવાટ કરે છે ત્યાં આ ગણતરી કરવામાં આવી હતી.
કચ્છમાં બે દિવસીય ગીધ પક્ષીની વસ્તી ગણતરી પૂર્ણ થઇ ચૂકી છે, વર્ષ 2005માં કચ્છમાં 910 ગીધ હતા,જે ઘટી ઘટીને વર્ષ 2018 માત્ર 44ની સંખ્યામાં બચ્યા હતા.પાંચ વર્ષ બાદ ફરી થયેલી ગણતરીથી તાજેતરનો આંકડો સામે આવશે.ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન દ્વારા વનવિભાગ સાથે સંયુક્ત રીતે ગીધની વસ્તી ગણતરી કરાઈ છે.ગીધ પક્ષી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ અનૂસુચિ-1 માં મુકાયેલું છે.