Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાશે

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તેમજ તમામ ઈવીએમ સ્ટોંગ રૂમમાં સાચવીને રાખવામાં આવ્યાં છે. ગુરુવારે તમામ વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રેદેશમાં ભાજપ અને પંજાબમાં આપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવતા હોવાનું સામે આવ્યું છે. જો કે, પાંચ રાજ્યોમાં કોની સરકાર બને છે તે ગુરુવારે જ ખબર પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે, તમામની નજર ઉત્તરપ્રદેશની ચૂંટણી પરિણામ ઉપર મંડાયેલી છે. એક્ઝિટ પોલ અનુસાર ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે. બીજી તરફ પાંચેય રાજ્યોમાં મતગણતરીને લઈને તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે. હાલ તમામ ઈવીએમ સ્ટોંગરૂમમાં સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યાં છે. બીજી તરફ કેટલાક પક્ષો દ્વારા ઈવીએમને લઈને આશંકાઓ વ્યક્ત કરી છે. મતગણતરી દરમિયાન કોઈ અણબનાવ ના બને તે માટે તમામ રાજ્યોની પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં મતગણતરીને લઈને ચૂંટણી પંચ દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો ઉપર 70 હજાર જેટલા સિવિલ પોલીસ કર્મચારીઓ અને અર્ઘલશ્કરી દળોની 300થી વધારે કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. એક્ઝિટ પોલ અનુસાર ગોવા અને ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતાઓ વ્યક્ત કરાઈ છે. ગોવા કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બચાવવા માટે ચૂંટણીના પરિણામ પહેલા જ ઉમેદવારોને સેફ જગ્યા ઉપર લઈ જવામાં આવ્યાં છે.

(Photo-File)