દુનિયાના દેશો પણ હવે મહામારીથી બચવા માટે હર્બલ સિસ્ટમ પર ભાર મુકી રહ્યા છેઃ નરેન્દ્ર મોદી
- ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનને સમર્થન આપવા બદલ WHOના ચીફએ મોદીનો આભાર માન્યો
જામનગરઃ શહેરના ગોરધનપર પાસે નિર્મા્ણ પામનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશ્નલ મેડિસિન(GCTM)નો વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે WHOના ડાયરેક્ટર જનરલ અને મોરેશિયસના વડાપ્રધાન પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, આજે મહામારીથી બચવા માટે દુનિયાના અનેક દેશ ટ્રેડિશનલ હર્બલ સિસ્ટમ પર ભાર આપી રહ્યા છે. આ પહેલા વડાપ્રધાન દ્વારા જામનગરના પાયલોટ બંગલે જામરાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ જામનગર સર્કિટ હાઉસમાં જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, WHOએ આ સેન્ટરના રૂપમાં ભારત સાથે નવી પાર્ટનરશીપ કરી છે. આ સેન્ટર આવનારા 25 વર્ષ માટે વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસિન યુગનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, WHOના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ સાથે મારો પરિચય જૂનો છે. ભારત પ્રતિ લગાવ છે તે આજે એક સંસ્થાના રૂપમાં પ્રગટ થઈ રહ્યો છે. ડો. ટેડ્રોસને વિશ્વાસ અપાવું છું કે, તમે ભારતને જવાબદારી આપી છે તે તમારી આશા અને અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું. GCTM એક એવું પ્લેટફોર્મ બનવું જોઈએ જ્યાં વિશ્વના પારંપરિક ચિકિત્સા પદ્ધતિના એક્સપર્ટ એકસાથે આવે અને પોતાના અનુભવ વર્ણવે. દરમિયાન ટેડ્રોસે કહ્યું હતું કે, WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જે અમે શરૂ કરી રહ્યા છીએ તે પુરાવા આધારિત પરંપરાગત દવાને મજબૂત કરવા માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ મહત્વપૂર્ણ પહેલને સમર્થન આપવા માટે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભારી છું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડીજી ટેડ્રોસે કહ્યું કે WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કોઈ સંયોગ નથી. મારા ભારતીય શિક્ષકોએ મને પરંપરાગત દવા વિશે સારી રીતે શીખવ્યું અને હું ખૂબ આભારી છું. હું પણ ‘બોલીવુડ’ મૂવીઝ જોઈને મોટો થયો છું અને હું સમજું છું કે સ્વિસ આલ્પ્સ ‘બોલીવુડ’ ચાહકો માટે એક પ્રિય સ્થળ છે. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, વચગાળાના કાર્યાલય સાથે કેન્દ્રની સ્થાપના માટે 250 મિલિયન યુએસ ડોલરના રોકાણ અને સંચાલન ખર્ચ પ્રત્યે 10 વર્ષની પ્રતિબદ્ધતા માટે હું પીએમ મોદીનો આભાર માનું છું. જે દિવસથી મેં પીએમ મોદી સાથે વાત કરી ત્યારથી તેમની પ્રતિબદ્ધતા અદભૂત હતી અને હું જાણતો હતો કે આ કેન્દ્ર સારા હાથમાં હશે.