ગાંધીનગરઃ GMDCના મેનેજીંગ ડિરેક્ટર IAS રુપવંત સિંહએ જણાવ્યુ હતુ કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે ગુજરાત સજ્જ છે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિનાર હોલ-2માં કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર યોજાશે. 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં કન્ટ્રી અને સ્ટેટ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન 25 દેશો, 10 સંસ્થાઓ અને 9 રાજ્યો દ્વારા કુલ 38 સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કન્ટ્રી અને સ્ટેટ સેમિનારોમાં ભારત સરકારના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પિયુષ ગોયલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના નાણા તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઇ, ગુજરાત સરકારના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ખાદી અને ગ્રામોદ્યોગ તેમજ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના રાજ્યમંત્રી જગદીશ પંચાલ અને ગુજરાત સરકારના ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ સાથે જ ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ સરકારી અધિકારીઓ, વિવિધ દેશોના હેડ ઓફ સ્ટેટ્સ અને મંત્રીઓ તેમજ વિશ્વભરના પ્રતિષ્ઠિત વક્તાઓ પણ કન્ટ્રી અને સ્ટેટ સેમિનારમાં ઉપસ્થિત રહેશે.
સેમિનારની વિગતો અંગે વાત કરતા તેમણે જણાવ્યુ કે, વિશ્વના 25 દેશો જેવાં કે ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, જર્મની, ઘાના, જાપાન, કિંગડમ ઓફ મોરોક્કો, કિંગડમ ઓફ થાઇલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ્સ, નોર્વે, એસ્ટોનિયા, કઝાકિસ્તાન, રિપબ્લિક ઓફ કોરિયા, મોરેશિયસ, મોઝામ્બિક, પોલેન્ડ, રવાન્ડા, રશિયન ફેડરેશન, સિંગાપોર, સ્લોવાક રિપબ્લિક, સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ વિયેતનામ, કિંગડમ ઓફ સાઉદી અરેબિયા, યુક્રેન, યુનાઇટેડ આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમ દ્વારા કન્ટ્રી સેમિનાર યોજાશે. તેઓ પોતપોતાના દેશોમાં રહેલી તકોને પ્રદર્શિત કરવા માટેના પ્લેટફોર્મ તરીકે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો લાભ લેવા માટે “કન્ટ્રી સેમિનાર”નું આયોજન કરશે. આ કન્ટ્રી અને સ્ટેટ સેમિનારમાં ગુજરાત સરકારના નાણા વિભાગ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) અને સામાન્ય વહીવટ વિભાગ (GAD) જોડાશે.
વધુમાં તેમણે જણાવ્યુ કે, વિકસિત ભારત @2047ના વિઝન અને રોડમેપમાં યોગદાન આપવાના ઉદ્દેશથી મધ્યપ્રદેશ અને ડિપાર્ટમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજન (DoNER) મંત્રાલય સ્ટેટ સેમિનારનું આયોજન કરી રહ્યા છે. આ કન્ટ્રી અને સ્ટેટ સેમિનારોમાં ગ્રીન ઇકોનોમી તરફ ટ્રાન્ઝિશન, “મેક ઇન ઇન્ડિયા” માટે જાપાનના યોગદાનનો “આગામી તબક્કો”, ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી દ્વારા મૂલ્ય નિર્માણ માટે ભાગીદારી, આંતરરાષ્ટ્રીય બજારોનું પ્રવેશદ્વાર: સોહાર પોર્ટ અને ટેક્નોલોજી, સસ્ટેનેબિલિટી અને ઇનોવેશનમાં યોગદાન આપતા ફ્રીઝોન, જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ તમામ વિષયો 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ પર આધારીત છે. (File photo)