ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સમાજ, દેશ અને પરિવાર ત્યારે જ પ્રગતિ કરે છે જ્યારે તેઓ નીતિ-નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરે છે. હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્રમાં આયોજિત અલંકરણ સન્માન સમારોહમાં તેમણે કહ્યું કે, વહાણ દરેક સુવિધાથી સજ્જ હોય, પરંતુ જો તેમાં નાનું છિદ્ર પણ થઇ જાય તો તેને ડૂબાડી શકે છે. તેવી જ રીતે, વિદ્યાર્થીઓ પણ જો નિયમો અને શિસ્તની અવગણના કરે તો વિકાસ રૂંધાય છે.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આળસુ વ્યક્તિ કોઈ ઉદ્દેશ્ય વગર પોતાનું જીવન વિતાવી દે તો તેનો વિકાસ નથી થવાનો. મહેનતુ માણસ સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. જે વિદ્યાર્થીઓ તેમની જવાબદારીઓને પૂર્ણપણે નિભાવે છે તેઓ જીવનમાં ચોક્કસપણે સફળ થાય છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, દરેક વ્યક્તિએ ફક્ત પોતાની પ્રગતિથી સંતોષ ન માની, સર્વની પ્રગતિમાં જ પોતાની પ્રગતિ સમજવી જોઈએ. આવા લોકો હંમેશા સમાજમાં પરોપકાર, માનવતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અભ્યાસ અને સખત પરિશ્રમના મહત્વ પર ભાર મૂક્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શિક્ષકો અને સંચાલક મંડળને પણ પોતાની જવાબદારી સારી રીતે નિભાવવાની હાકલ કરતાં કહ્યું કે, બાળકો તેમના શિક્ષકોના આચરણમાંથી જ શીખે છે. જેથી શિક્ષકે હંમેશા તેમના જીવનમાં સત્યનું આચરણ અને શિસ્તનું પાલન કરવું જોઇએ.
ગુરુકુલમાં દાખલ થયેલા નવા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં તેમણે કહ્યું કે, જીવનમાં હંમેશા મોટું વિચારો, કારણ કે ટુંકી વિચારસરણી ક્યારેય વ્યક્તિને મહાન બનાવી શકતી નથી. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને પ્રાપ્ત કરો. તેમણે વિદ્યાર્થીઓને તેમની ફરજ પ્રત્યે જાગૃત રહેવા અને હંમેશા શિસ્ત, સંસ્કારોનું પાલન કરવાની શીખામણ આપી હતી.
આ અવસરે નિયામક ડૉ.પ્રવીણ કુમારે વિદ્યાર્થીઓને ગુરુકુલની વિવિધ જવાબદારીઓ, જેવી કે ભોજનાલય, રમતનું મેદાન, છાત્રાલય, શાળા હેઠળના વિવિધ કાર્યો માટે શપથ લેવડાવ્યા જેથી તેઓ સોંપેલ કાર્યો અને ફરજો યોગ્ય રીતે નિભાવી શકે. કાર્યક્રમનું સંચાલન સંજીવ આર્યએ કર્યું હતું.