- બુટલેગરે યુનિ.કેમ્પસમાં મંદિર પાસે આવેલી ઓરડીમાં દારૂની ભઠ્ઠી ધમધમતી હતી,
- પોલીસે 32 લિટર દેશી દારૂ અને 240 લિટર આથો જપ્ત કર્યો,
- જાહેરમાં જ ગેસના સગડા પર દારૂ બનાવવામાં આવતો હતો
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોનું પર્યાય બની ગઈ છે. ત્યારે યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી એક ઓરડીમાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠીને પોલીસે પકડી પાડી છે. કેમ્પસમાં આવેલી ઓરડીમાં બૂટલેગરે લાંબા સમયથી દારૂની ભઠ્ઠી ચાલુ કરી દીધી હતી. પોલીસે રેડ પાડીને 32 લિટર દારૂ અને 240 લિટર આથો પકડી પાડ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનવર્સિટી કેમ્પસમાં એથ્લેટિક ગ્રાઉન્ડના વળાંક પાસે ચારબાઇ માતાજીના મંદિર પાસે આવેલી ઓરડીમાં રૈયાધારનો બૂટલેગર અંકિત ઉર્ફે ભોલો અશોક સોલંકી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ મેહુલ ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીસીબીના વિજયભાઇ મેતા સહિતની ટીમ ખાબકી હતી. પોલીસ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશી ત્યારે પોલીસને પણ શંકા હતી કે, યુનિવર્સિટી શિક્ષણધામ છે. અહીં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની માહિતી ખોટી હોઇ શકે, જોકે પોલીસ માહિતી પર આગળ વધી હતી યુનિવર્સિટી કેમ્પસની અંદર ચારબાઇ માતાજીના મંદિર પાસે આવેલી ઓરડીએ પહોંચી અને ઓરડીનું બારણું ખોલ્યું તો પોલીસ પણ ચોંકી ગઇ હતી. ઓરડીમાં ગેસના ચૂલા પર દારૂ બની રહ્યો હતો. ભઠ્ઠીમાં ટીંપણા, મોટા તપેલા તેમજ ભઠ્ઠીના અન્ય સાધનો હતા. પોલીસે ઓરડીની તલાશી લેતા ત્યાંથી રૂ.6400ની કિંમતનો 32 લિટર દેશી દારૂ, રૂ.5 હજારની કિંમતનો 200 લિટર આથો, 40 લિટર બળેલો આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ.17,050નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ઓરડીમાં હાજર બૂટલેગર અંકિત ઉર્ફે ભોલો સોલંકીની ધરપકડ કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3 હજાર યુવક-યુવતીઓ અભ્યાસ કરે છે. વિદ્યાના ધામ આ કેમ્પસમાં નશા મુક્તિ માટેનું કેન્દ્ર ચાલે છે અને દરેક ભવનના વડા, પ્રોફેસરો તેમજ યુનિવર્સિટીના કુલપતિ સહિતના હોદ્દેદારો વિદ્યાર્થીઓને નશાની જાળમાં ન ફસાવાના અગાઉ અનેક લેક્ચર અાપી ચૂક્યા છે, પરંતુ આ તમામ શિક્ષણવિદોની નજર હેઠળ યુનિવર્સિટીમાં જ દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી. ભવનના વડાઓ અને પ્રોફેસરો આ બાબતથી અજાણ હોય તે વાત અસ્થાને છે અને જો ખરેખર અજાણ હોય તો તે ભયંકર લાપરવાહ છે એવી ચર્ચા યુનિ કેમ્પસમાં થઈ રહી છે.