Site icon Revoi.in

દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ હવાઈમથકઃ 2300 મીટર લાંબો રન-વે તૈયાર કર્યો

Social Share

નવી દિલ્હીઃ પૂર્વોત્તરમાં કનેક્ટિવિટીમાં વધારો કરવા માટેના મુખ્ય પગલાં તરીકે, વડાપ્રધાનએ અરુણાચલ પ્રદેશમાં પ્રથમ ગ્રીનફિલ્ડ હવાઇમથક ‘ડોની પોલો હવાઇમથક, ઇટાનગર’નું ઉદ્ઘાટન કર્યું છે. આ હવાઇમથકનું નામ અરુણાચલ પ્રદેશની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેમજ સૂર્ય (‘ડોની’) અને ચંદ્ર (‘પોલો’) માટે તેના વર્ષો જૂના સ્થાનિક લોકોના આદરને પ્રતિબિંબિત કરે છે.

રૂપિયા 640 કરોડ કરતાં વધુ ખર્ચે 690 એકથી વધારે જમીન પર બાંધવામાં આવેલું હવાઇમથક, અરુણાચલ પ્રદેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ હવાઇમથક છે. 2300 મીટર લાંબા રનવે સાથે, આ હવાઇમથક દરેક પ્રકારના હવામાનની સ્થિતિમાં વિમાનોના આવાગમન માટે યોગ્ય છે. હવાઇમથક ટર્મિનલ માટે આધુનિક ઇમારતનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ઊર્જા કાર્યક્ષમતા, અક્ષય ઊર્જા અને સંસાધનોના રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે.

ઇટાનગરમાં નવા હવાઇમથકના નિર્માણથી આ પ્રદેશમાં કનેક્ટિવિટીમાં વધારો થવાની સાથે સાથે વેપાર અને પર્યટનના વિકાસ માટે પણ તે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. આમ, આ ક્ષેત્રના આર્થિક વિકાસને વેગ મળશે.

મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ એમ પૂર્વોત્તરના પાંચ રાજ્યોના હવાઇમથક પરથી આઝાદી પછીના 75 વર્ષમાં પ્રથમ વખત ફ્લાઇટ્સ ઉપડતી જોવા મળી છે.

પૂર્વોત્તરમાં વિમાનોના આવાગમનમાં પણ 2014 પછી 113%નો વધારો જોવા મળ્યો છે. 2014માં દર અઠવાડિયે 852 વિમાનોનું આવાગમન થતું હતું જ્યારે 2022માં આ આંકડો વધીને દર અઠવાડિયે 1817 થઇ ગયો છે.

અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં 80 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો અને રૂપિયા 8450 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશને પાવર સરપ્લસ રાજ્ય બનાવશે, ગ્રીડની સ્થિરતા અને એકીકૃતતાના સંદર્ભમાં નેશનલ ગ્રીડને પણ ફાયદો થશે. ગ્રીન એનર્જીને અપનાવવામાં વૃદ્ધિ કરવાની દેશની પ્રતિબદ્ધતા પરિપૂર્ણ કરવામાં પણ આ પ્રોજેક્ટ મોટું યોગદાન આપશે.