Site icon Revoi.in

સુરેન્દ્રનગરના ફુલગ્રામ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા દંપત્તીનું મોત, 3ને ઈજા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત ફુલગ્રામ પાસે  સર્જાયો હતો.  પુત્રના લગ્ન પુરા કરી અન્ય પરિવારજનો ક્રેટા કારમાં પરત ફરતા હતા ત્યારે ક્રેટાકાર ડમ્પર સાથે અથડાતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં અન્ય ત્રણ લોકોને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, રાજકોટ-લીંબડી હાઈવે પર ફુલગ્રામ નજીક ક્રેટા કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઘટનાસ્થળે જ દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં હરિભાઈ અલગોતર અને મેરાબેન હરિભાઈ નામના દંપતીનું અકસ્માત મોત નીપજતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાને લઈ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી દંપતીના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા હતા.

રાજકોટ હાઈવે પર ઓવરલોડ ડમ્પરે ફરી બે જિંદગીને મોતને ઘાટ ઉતારી હતી. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનામાં દંપતીનું અકાળે મોત નીપજતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. લીંબડી લગ્ન પતાવી થાનગઢ પરત ફરતા સમયે પરિવારની ક્રેટાકાર પુરફાટ ઝડપે આવતા ડમ્પર સાથે અથડાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં બીજો અકસ્માત માલવણ-અમદાવાદ હાઇવે પર  સર્જાયો હતો. રાત્રે અજાણ્યા ટ્રક ચાલકે ઇયાવા ગામ નજીક અકસ્માત સર્જી ખેડૂતોની ખેત પેદાશ ભરેલા 10થી વધુ ટ્રેક્ટરોને ઉલાળ્યા હતા. જેને લઇને ખેડૂતો વિફર્યા હતા. અને હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.

માલવણ-અમદાવાદ હાઇવે પર એક અજાણ્યા ટ્રક ચાલકે પુરઝડપે પોતાનું વાહન ચલાવીને ખેડૂતોના 10 વધુ ટ્રેક્ટરોને અડફેટ લીધા હતા. જે ટ્રેક્ટરો ઊંધા વળી જતાં ખેડૂતોનો માલ રોડ પર ઢોળાઇ જતાં ભારે નુકસાન થયું હતું.આ અકસ્માતની ઘટના બાદ ખેડૂતોમાં રોષ ફેલાતા ખેડૂતોએ ટ્રેક્ટર મુખ્ય હાઇવે પર મૂકી દીધા હતા અને હાઈવે ચક્કાજામ કરી દેતા હાઇવે પર બંને બાજુ 5 કિમી જેટલી લાંબી કતારો લાગી ગઇ હતી. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જોકે, હાઇવે પર ચક્કાજામ થતાં અન્ય વાહન ચાલકોને હાલાકી પડી હતી.