- દાહોદના સરહદી વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
- ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં
- અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ
અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ નડિયાદ નજીક કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10ના કરુણ મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન દાહોદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ગોધરા-અમદાવાદ હાઈવે પર ટૂવા ગામ નજીક ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં શ્રમજીવી દંપતિનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ખંગેલા, ઉસ્માનિયા અને ચીખલીયા ગામના શ્રમિકો ટ્રેક્ટરમાં સવાર થઈને અમદાવાદ થી ડીસા તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગોધરા અમદાવાદ હાઈવે પર ટૂવા ગામ નજીક ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં શ્રમજીવી દંપતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અને એક ત્રણ માસના બાળક સહિત 7 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટના ટ્રેક્ટરની ટ્રોલી પાછળ રિફલેક્ટર ન હોવાને કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
માર્ગ અકસ્માતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામનારની ઓળખ મેળવવાની કામગીરી શરુ કરાઈ છે. ટુવા ગામ પાસે માર્ગ અકસ્માતમાં દંપતિના મોતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.