પાલનપુરઃ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે બનાસનદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આજે બુધવારે વહેલી સવારે નદીમાં અચાનક પાણી વધી જતાં આબુરોડ નજીક નદીમાં એક દંપતી ફસાઇ ગયું હતું, જેથી પ્રશાસનની ટીમે સ્થાનિક લોકોની મદદથી હોડી દ્વારા સતત ચાર કલાકની જહેમત બાદ વૃદ્ધ દંપતીનું રેસ્કયૂ કરી સહી-સલામત બહાર કાઢ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસનદીમાં પૂરમાં દંપતી ફસાયુ હોવાની જાણ થતાં જ અધિકારીઓ દોડી આવ્યા હતા. રાજસ્થાનના ઉપરવાસમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે આજે બુધવારે વહેલી સવારે અચાનક નદીમાં વધુ પાણી આવી જતાં એક વૃદ્ધ દંપતી ફસાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પાણીનો પ્રવાહ વધતાં આ વૃદ્ધ દંપતીએ કલાકો સુધી ઝાડના સહારે બચવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અધિકારીઓએ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી હોડી, દોરડા સહિતની ચીજવસ્તુઓ વડે સતત ચાર કલાક સુધી ભારે જહેમત ઉઠાવ્યા બાદ આ વૃદ્ધ દંપતીને સહી-સલામત બહાર કાઢી બચાવ્યાં હતાં.
રાજસ્થાનના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી સતત સારો વરસાદ થયો હતો. એને કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. રાજસ્થાનમાં તો બનાસ નદી બે કાંઠે વહી રહી છે. બનાસકાંઠામાં અમીરગઢ પાસે બનાસ નદીમાં નવા નીર આવતાં હવે જિલ્લામાં ઊંડાં ઊતરી રહેલાં પાણીનાં તળ ઊંચાં આવશે એવી ખેડૂતોને આશા બંધાઈ છે,