નવી દિલ્હી : દેશમાં ગુનાખોરીને ડામવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પીડિતોને ઝડપી ન્યાય મળે અને આરોપીઓને આકરી સજા મળી રહે તે માટે ન્યાયીક કાર્યવાહી પણ ઝડપી પૂર્ણ કરવા સુરક્ષા એજન્સીઓને તાકીદ કરવામાં આવી છે. દરમિયાન એક વર્ષમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા કુલ 165 કેદીઓને અદાલતોએ મૃત્યુદંડની સજાનો આદેશ કર્યો હતો. જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે.
દેશમાં વર્ષ 2021માં 146 કેદીઓને મોતની સજા આપવામાં આવી હતી. અદાલત દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની સજા પૈકી એક તૃતીયાંશ સજા જાતીય ગુનાઓ સાથે સંબંધિત હતી. 2015 થી 2022 સુધીમાં મૃત્યુદંડની સજામાં 40 ટકાનો વધારો થયો છે. એક આંકડા પ્રમાણે ફેબ્રુઆરી 2022માં અમદાવાદની એક અદાલતે 2008ના શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં 38 લોકોને મોતની સજા ફટકારી હતી. વર્ષ 2016માં 153 કેસમાં આરોપીઓને મોતની સજા ફરમાવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022માં આ આંકડો વધીને 165 ઉપર પહોંચ્યો છે.