દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી મહિનામાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પહેલા જ ટીમ ઈન્ડિયાની સાથે લાખો ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના સમાચાર આવ્યાં છે. બ્રિટિશ વડાપ્રદાન બોરિસ જોનસનએ તા. 19મી જુલાઈથી દેશમાં કોવિડ-19 પ્રતિબંધો પૂરી રીતે હટાવી લેવાની જાહેરાત કરી છે. જેથી ભારતીય ટીમને પણ ફાયદો થશે. ભારતીય ટીમને સિરીઝ પહેલા કાઉન્ટી ટીમો સાથે અભ્યાસ રમવાની મંજૂરી મળી ગઈ છે. તેમજ સ્ટેડિયમમાં પણ 100 ટકા ક્ષમતા સાથે ક્રિકેટ પ્રેમીઓ ટેસ્ટ મેચનો આનંદ માણી શકશે.
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થોડા દિવસો અગાઉ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં સ્ટેડિયમમાં સીમિત સંખ્યામાં જ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ચાર હજાર દર્શકોને પ્રવેશની મંજૂરી અપાઈ હતી. બ્રિટીશ પીએમ જોનસન દ્વારા કોવિડ સંબંધીત પ્રતિબંધ હટાવી દેવાની જાહેરાત સાથે જ ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં સ્ટેડિયમોમાં દર્શકોની 100 ટકા ઉપસ્થિતિનો રસ્તો પણ ક્લીયર થઈ ગયો છે. વર્ષ 2020 બાદ પ્રથમવાર હશે કે ઈંગ્લેન્ડના સ્ટેડિયમમાં 100 ટકા ક્ષમતા સાથે ક્રિકેટ પ્રેમીઓ હશે. બંને ટીમ વચ્ચે પ્રથમ ટેસ્ટ ટ્રેન્ટ બ્રિજમાં તા. 2 ઓગસ્ટથી રમાશે.
Trent Bridge 1st Test Vs India
https://t.co/6UzGAnPvIz — Stuart Broad (@StuartBroad8) July 5, 2021
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે ટ્વીટ કર્યું હતું. તેણે વાર્મી આર્મી એટલે કે ઈંગ્લેન્ડ ક્રિકેટના સૌથી મોટા પ્રશંકસ ગ્રુપનો વીડિયો ક્લિપ શેર કરી છે. તેમજ કેપ્શનમાં લખ્યું છે કે, દર્શક પૂરી ક્ષમતા સાથે ક્રિકેટ મેદાનમાં આવી શકશે. 19મી જુલાઈથી કોવિડ પ્રતિબંધ સમાપ્ત કરાયાં છે. ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ 20-22 જુલાઈ વચ્ચે અભ્યાસ મેચ રમશે. જો કે, આ પ્રેક્ટિસ મેચ કઈ ટીમ સાથે રમાશે તે હજુ જાહેર નથી કરાયું.