- કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું
- મફતમાં થશે તમામ દર્દીની સેવા
- 50 બેડથી સજ્જ હશે કોવિડ કેર સેન્ટર
રાજકોટ: રાજ્યમાં તથા દેશમાં વધી રહેલા કોરોનાવાયરસના કેસની સામે સામાજીક સંસ્થાઓ પણ હવે આગળ આવીને કામ કરી રહી છે અને મદદ કરી રહી છે. રાજકોટમાં હવે નવુ કોવિડ કેર સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે કે જેમાં કોઈ પણ કોરોના સંક્રમિત દર્દી વિના મૂલ્યે તમામ સારવાર મેળવી શકશે.
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી એસ.એન.કે સ્કૂલમાં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દાખલ કરવામાં આવશે. કોવિડ કેર સેન્ટરની શરૂઆત 50 બેડથી કરવામાં આવશે. દાખલ થનાર દર્દીને સેન્ટર ખાતે સીધા લાવી નહીં શકાય. તે માટે દર્દી અથવા તો તેમના પરિવારજનોએ સેન્ટરના નંબર 63588 45684 પર કૉલ કરવાનો રહેશે. એડમિશન માટેની ફોન લાઈન રોજ સવારે 8 વાગ્યે શરૂ થશે. સેન્ટરમાં ફોન પર હાજર વ્યક્તિ જે તે દિવસની જેટલા બેડની કેપેસિટી હશે તેટલા જ કૉલનો જવાબ આપી શકશે.
TGESના ડાયરેકટર કિરણ ભાલોડિયાએ જણાવ્યું છે કે, હાલના તબક્કે 50 બેડથી શરૂઆત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રિસોર્સ, મંજૂરી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખતા 500 બેડ સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અહીં ઓક્સિજન બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જ્યારે આઇસીયૂની વ્યવસ્થા હાલ ઉપલબ્ધ નથી. સેન્ટરની તમામ સારવાર અને મેડિકલને લગતી બાબતો માટે HCG ગ્રુપ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને રહેવા, જમવા તેમજ દવા બાબતે એક પણ રૂપિયો તેમણે અથવા તો તેમના પરિવારજનોએ ચૂકવવાનો રહેશે નહીં.
જો કે ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસના કેસ રાજ્યના ચાર મહાનગરોમાં જે રીતે નોંધાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે. સરકાર દ્વારા લોકોને સતર્ક અને સલામત રહેવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે અને લોકોએ પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને સરકારને કોરોના સામેની લડાઈમાં સાથ આપવો જોઈએ.