- બનાસકાંઠાની ગૌશાળામાં કોવિડ સેન્ટર શરુ થયુ
- આયુર્વેદિક રીતે દર્દીઓની થાય છે સેવા
- આયુર્વેદિક રીતે બનેલી દવાનો થાય છે ઉપયોગ
અમદાવાદ: કોરોનાવાયરસની બીજી લહેર બાદ જે રીતે હોસ્પિટલોમાં હાઉસફુલના બોર્ડ વાગી ગયા છે અને કેટલાક દર્દીઓને બેડ મોડા મળવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આવા સમયે તમામ લોકો યથાશક્તિ મુજબ મદદ અને દાન કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં હવે ગૌશાળામાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આ કોવિડ સેન્ટરમાં ખાસ વાત એ છે કે આ કોવિડ સેન્ટરમાં તમામ સારવાર આયુર્વેદિક રીતે થાય છે એટલે કે ‘વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ’ પદ્ધતિથી દર્દીઓની સારવાર થાય છે. આ દવાઓ ગાયના દૂધ અને ગૌમૂત્રમાંથી તૈયાર કરવામાં આવી છે.
અહીં કોરોનાવાયરસના એવા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમને આ વાયરસના હળવા લક્ષણો છે. આ કોવિડ સેન્ટરનું નામ ‘વેદાલક્ષણ પંચગવ્ય આયુર્વેદ કોવિડ આઇસોલેશન સેન્ટર’ રાખવામાં આવ્યું છે. હાલમાં અહીં 7 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
હાલ અહી ડીસા તાલુકાના એક ગામના 7 દર્દીઓ દાખલ થયા છે. અહીં દર્દીઓની સારવાર 8 આયુર્વેદિક દવાઓથી કરવામાં આવી રહી છે. આ દવાઓ ગાયના દૂધ, ઘી અને ગૌમૂત્રમાંથી તૈયાર કરવામાં આવી છે.