Site icon Revoi.in

કોવિડને બે વર્ષ સુધી લીધો કાબૂમાં,હવે કોરોના બોમ્બ ફૂટ્યો તો આ દેશમાં પહેલી વાર લોકડાઉન લાદ્યું

Social Share

દિલ્હી:સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે.આ કારણે ઘણા દેશોમાં લોકડાઉન લાગુ કરવું પડ્યું હતું, જ્યારે કેટલીક જગ્યાએ કોવિડ પ્રતિબંધો લાદવામાં આવ્યા. જો કે, આ પછી પણ, કેટલાક દેશો એવા છે જ્યાં અત્યાર સુધી લોકડાઉન લાગુ કરવાની જરૂર પડી નથી.પરંતુ હવે કોરોનાના વધતા ખતરાની વચ્ચે આ દેશોમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ખરેખર, પેસિફિક મહાસાગરમાં સ્થિત ટાપુ દેશ કિરીબાતીમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.10 મહિનામાં પહેલી વાર કોઈ ઇન્ટરનેશનલ ફલાઈટ અહીં પહોંચી,પરંતુ તેમાં સવાર યાત્રિકોના સંક્રમિત થવા પર દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

નવા નિયમો હેઠળ, લોકોને ઘરે રહેવા માટે કહેવામાં આવ્યું છે અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફિજીથી ફ્લાઇટમાં લગભગ 36 લોકો કોવિડથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.તો, ચાર લોકો કમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે સંક્રમિત થયા.ગયા સપ્તાહ સુધી કિરીબાતીમાં માત્ર બે કોવિડ કેસ નોંધાયા હતા.કિરીબાતી એ વિશ્વના સૌથી અલગ ટાપુઓમાંનું એક છે.

સરકારે કહ્યું કે,ફ્લાઇટના 54 મુસાફરોમાંથી 36 કોવિડ સંક્રમિત જાણવા મળ્યા છે. તેણે ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે આરોગ્ય અધિકારીઓ દ્વારા તમામ મુસાફરો પર નજર રાખવામાં આવી રહી છે.વિમાનમાં સવાર તમામ મુસાફરો ફુલી વેક્સીનેટેડ હતા.જો કે, ક્વોરેન્ટાઇન સુરક્ષા ટીમના ત્રણ સભ્યો સંક્રમિત જાણવા મળ્યા. એક અન્ય વ્યક્તિ ક્વોરેન્ટાઇન સેંટરમાં કામ નથી કરતો,તે પણ કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યો છે.કિરીબાતીમાં શનિવારે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે,પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે તે કેટલો સમય ચાલશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે,જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી લોકો ઘરની બહાર ન નીકળે.લોકો સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચે દુકાનોમાંથી જરૂરી વસ્તુઓ ખરીદી શકશે.રાષ્ટ્રપતિ તનતી મામાઉના કાર્યાલયે ફેસબુક પર કહ્યું, “આ વાયરસ સામે લડવાનો એકમાત્ર રસ્તો વેક્સીનેશન છે.” લોકોને વિનંતી છે કે,તેઓ પોતાની અને તેમના પરિવારની સલામતી માટે રસીકરણના બંને ડોઝ મેળવે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે,1.2 લાખની વસ્તીવાળા આ દેશમાં કેટલા લોકોએ સંપૂર્ણ રસીકરણ મેળવ્યું છે.