અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર માટે જોવી પડે છે રાહ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયાનક બનતી જાય છે. જેમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ સૌથી વધુ સ્ફોટક છે. અમદાવાદમાં તો સરકારી અને ખાનગી મોટી હોસ્પિટલમાં પણ બેડ ફુલ થઈ ગયાં છે. દર્દીઓમાં નાના-મોટા દરેક સામેલ છે, ત્યારે હવે તેમને ક્યાં દાખલ કરવા એ મોટો પ્રશ્ન છે. બીજી તરફ, સિવિલ હોસ્પિટલમાં સતત કેસ વધતાં એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઊભી રાખવી પડે છે. આ બધાની સાથે હવે અમદાવાદ નજીકની હોસ્પિટલમાં પણ દર્દીઓને ખસેડવામાં આવે એવી સ્થિતિ છે.
અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલમાં 15થી વધુ એમ્બ્યુલન્સને વેઇટિંગમાં રહેવું પડે છે દર્દીઓ એમ્બ્યુલન્સમાંથી બહાર ઊતરે ત્યારે કયો બેડ આપવો એ માટે હોસ્પિટલ તંત્ર ચિંતામાં છે. સિવિલ કેમ્પસની હોસ્પિટલમાં હવે ધીમે ધીમે બેડ ભરાઈ રહ્યાં છે, જેને કારણે હવે નવા દર્દી માટે શું કરવું એ ચિતાનો વિષય બન્યો છે. આ ઉપરાંત 1200 બેડ હોસ્પિટલની પાછળ કોવિડ ડેડબોડી સોંપવામાં આવતી હતી, જ્યાં સતત સ્વજનો દુઃખી ચહેરે આવતાં હતાં. ડેડબોડીનું વેઈટિંગ ખૂબ ચિંતાજનક હતું. ડેડબોડી મળ્યા બાદ સ્મશાન લઈ જાય તેમજ એની સાથે તો ત્યાં પણ વેઈટિંગ જોવા મળ્યું હતું.