Site icon Revoi.in

અમદાવાદ એરપોર્ટ પર કોવિડનો રેપિડ RTPCR ટેસ્ટ અન્ય એરપોર્ટ્સ કરતા સસ્તો

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનો ટ્રાફિક વધતો જાય છે. ત્યારે એરપોર્ટ પર જ કોરોનાના ટેસ્ટિંગ આરટીપીસીઆરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટને કારણે વિદેશથી આવતાં પેસેન્જરોના ઍરપોર્ટ ઉપર RTPCR ~ 400 અને RAPID RTPCR ~2700 લેવામાં આવે છે. આ ચાર્જ વધુ હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. પરંતુ  દેશના સાત પ્રમુખ એરપોર્ટ ઉપર કોવિડ ટેસ્ટ માટે જે ચાર્જ લેવાય છે તેમાં અમદાવાદ ઍરપોર્ટ સૌથી સસ્તું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે હૈદરાબાદ ઍરપોર્ટ સૌથી મોંઘું હોવાનું કહેવાય છે.

કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટ ને પગલે કેન્દ્ર સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન મુજબ 1લી ડિસેમ્બરથી 11 હાઈ રિસ્ક કન્ટ્રીથી આવતા પેસેન્જરોના જે તે ઍરપોર્ટ ઉપર જ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ હાઇરિસ્ક કન્ટ્રીમાં હવે ઘાના અને તાનઝાનીયા ઉમેરાતા ભારતમાં કુલ 13 દેશોના પ્રવાસીઓને હાઇરિસ્ક કેટેગરીમાં ગણવામાં આવી રહ્યાં છે. અમદાવાદ ઍરપોર્ટ ઉપર પણ વિદેશથી આવતા નાગરિકોનો કોવિડ ટેસ્ટ કરવા માટેની સુવિધાઓ ઉભી કરાઈ છે. જેમાં રેપીડ આર ટી પી સી આર ટેસ્ટના પેસેન્જર દીઠ  રૂપિયા 2700 અને સાદો RTPCR કરવા માટે  રૂપિયા  400 ચાર્જ લેવામાં આવે છે. અમદાવાદ ઍરપોર્ટ ઉપર કોવિડ ટેસ્ટ માટે લેવાતો ચાર્જ વધુ હોવાની ચર્ચા થઈ હતી. જેથી આ અંગે તપાસ કરતા દેશના મુખ્ય ઍરપોર્ટસ ગણાતાં દિલ્હી, મુંબઈ, બેગ્લોર, કોલકત્તા, હૈદરાબાદ, ચેન્નાઈ અને અમદાવાદ ઍરપોર્ટ ઉપર કોવિડ ટેસ્ટ માટે લેવાતાં  ચાર્જમાં અમદાવાદ ઍરપોર્ટ સૌથી સસ્તું હોવાનું બહાર આવ્યું છે જ્યારે હૈદરાબાદ ઍરપોર્ટ કોવિડ ટેસ્ટના ચાર્જમાં સૌથી મોંઘું હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ ઍરપોર્ટ મેનેજમેન્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે,  કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ અમે અમદાવાદ ઍરપોર્ટ ઇન્ટરનેશનલ કોવિડ પ્રોટોકોલ મુજબ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં અમદાવાદ ઍરપોર્ટ ઉપર વિદેશથી આવતા પેસેન્જરો માટે RAPID RTPCRઅને સામાન્ય RTPCR  એમ બે પ્રકારના ટેસ્ટ થાય છે. જેમાં રેપીડ ટેસ્ટના રિપોર્ટ 30 મિનિટ થી એક કલાકમાં આપી દેવામાં આવે છે. જેનો ચાર્જ રૂ. 2700 લેવામાં આવે છે. જ્યારે સામાન્ય આર ટી પી સી આર ટેસ્ટના રિપોર્ટ આવતા 8 કલાક જેટલો સમય લાગે છે જેનો ચાર્જ રૂ. 400 નક્કી કરવામાં આવ્યો છે.  દેશના અન્ય પ્રમુખ ઍરપોર્ટની સરખામણીમાં અમદાવાદ ઍરપોર્ટ ઉપર કોવિડ ટેસ્ટના ચાર્જ સૌથી ઓછાં છે. જયારે હૈદરાબાદ એરપોર્ટ ઉપર રેપીડના  રૂ. 3900 અને સામાન્ય RTPCR ટેસ્ટના રૂ. 750 ચાર્જ રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આમ હૈદરાબાદ ઍરપોર્ટ પ્રમુખ ઍરપોર્ટ ઉપર કોવિડ ટેસ્ટના ચાર્જમાં સૌથી મોંઘું છે.

અમદાવાદ ઍરપોર્ટના સૂત્રો જણાવે છે કે, ઓમીક્રોનને કારણે  કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન બાદ હાઇરિસ્ક દેશોમાંથી યુ કે અને સિંગાપોર બે જ દેશોની ડાયરેકટ ફલાઈટ અમદાવાદ ઍરપોર્ટ ઉપર છે. બાકી કેટલીક કનેકટિંગ ફલાઈટ્સ છે. હાલમાં અમદાવાદ ઍરપોર્ટ ઉપર 1લી ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન કુલ 11000 પેસેન્જરો વિદેશથી આવ્યા છે. જેમાં હાઇરિસ્ક કન્ટ્રીમાંથી અંદાજે 1000 જેટલાં પેસેન્જરો આવ્યા છે. જેમાંથી 900 પેસેન્જરોએ RAPID RTPCR કરાવવાનું પસંદ કર્યું છે જ્યારે માંડ 100 પેસેન્જરોએ રૂ. 400નો સામાન્ય RTPCRકરાવ્યો છે.