1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી પધ્ધતિ છેઃ રાજ્યપાલ
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી પધ્ધતિ છેઃ રાજ્યપાલ

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી પધ્ધતિ છેઃ રાજ્યપાલ

0
Social Share

ગાંધીનગરઃ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી જ નહિ પણ જીવન દર્શન છે. રસાયણોના અવિવેકપૂર્ણ ઉપયોગના કારણે પ્રકૃતિને થયેલા નુકસાનના દુષ્પ્રભાવને નિવારવા માટે આ ક્રાંતિકારી પરિવર્તન છે. તે ખેડૂત સાથે પ્રકૃતિ સંરક્ષણ તરફની દશા અને દિશા બદલનારું બની રહેશે. આજે હજારો કિસાનો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના આ મહાઅભિયાનનું નેતૃત્વ રાજ્ય સરકારે લીધું છે

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,આત્મા પ્રોજેક્ટ, પ્રાકૃતિક ખેતી સંયોજક સમિતિ,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાના વડતાલ ખાતે યોજાયેલા ત્રિદિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યશાળામાં મધ્ય ગુજરાત સહિત સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લાના ખેડુતોએ ભાગ લઈ રહ્યા છે. આ અવસરે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરતા વિવિધ જિલ્લાઓના ખેડૂતોનું પ્રમાણપત્ર આપી બહુમાન કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ આજે અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમાં જળવાયુ પરિવર્તન એક મોટો પડકાર વિશ્વ સામે છે. પ્રકૃતિ સાથે છેડછાડ કરવાના કારણે પ્રદૂષણ ફેલાયું છે. આજે શ્વાસ લેવાની હવા પણ પ્રદૂષિત થઈ છે. દોઢ દાયકા પૂર્વે આપણે કોઈ પણ સ્થળેથી પાણી પી લેતા હતા. આજે પાણી પણ બોટલનું પીવું પડે છે. કારણ કે પાણી દુષિત થયું છે. હદ તો એ છે કે માતાના ધાવણમાં પણ યુરિયા મળે છે. હવે આવી ગંભીર સમસ્યાના નિવારણ માટે મનુષ્યએ પ્રકૃતિ તરફ પાછું વળવું પડશે. તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માણસ પાસે ગમે તેટલા રૂપિયા હોય પણ તેની નોટ ખાઈને જીવી શકાતું નથી. જીવન માટે તો ખોરાક જ ખાવો પડે છે. હવે આ ખોરાકનું સર્જન કરી ખેડૂત સર્વ જીવનું પોષણ કરે છે. ખેડૂત દિનરાત મહેનત કરી, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી અન્ન પેદા કરે છે. પરસેવો પાડીને મળતું ધન જ સાચી સંપત્તિ છે. એટલે જ ખેડૂત જગતનો તાત, રાજાનો રાજા છે. રસાયણોના ઉપયોગથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે. કેન્સર, ડાયાબિટીસ, રક્તચાપ જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. જમીન, પાણી, હવાને નુકસાન થયું છે. હવે આપણે આપણી મૂળ ખેતી પધ્ધતિ તરફ પાછા વળ્યા સિવાય છૂટકો નથી, આ વાતની ગાંઠ બાંધી લેવાની જરૂર છે. વધુ પાક લેવાની હોડમાં ખાતરો, જંતુનાશકના ઉપયોગથી જમીન બિનઉપજાઉ બની છે. તેનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી જ છે. આપણે ખેતીના મૂળ માર્ગથી ભટકી ગયા છે. ખેતીના મૂળ સ્વરૂપ તરફ પરત જવું પડશે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી પધ્ધતિ છે. તેનાથી અનેક ખેડૂતોને ફાયદો થયો છે. ખેતીની ઉપજ પણ વધી છે. હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં લાખો ખેડૂતો આ ખેતી કરતા થયા છે અને વધુ ઉપજ લેતા થયા છે. પ્રાકૃતિક ખેતીને સાચી રીતે કરવાથી ખેડૂતોની સાથે જમીન, પાણી, હવાને પણ ફાયદો થાય છે.

આ પ્રસંગે વડતાલ સ્વામી નારાયણ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી  મુનિ વલ્લભ સ્વામીએ જણાવ્યું કે, ઈશ્વરના અનેક સ્વરૂપ છે અને તે પૈકી પ્રકૃતિ પણ ઈશ્વરનું એક રૂપ છે. ભગવાને પ્રકૃતિનું એટલા માટે સર્જન કર્યું છે કે, તેનાથી જીવમાત્રનું કલ્યાણ થઈ શકે. આપણું પોષણ, ઉત્થાન પ્રકૃતિથી જ થાય છે. રસાયણોના વધારે ઉપયોગથી પ્રકૃતિને નુકસાન થયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code