વીઝા નહીં લંબાવાતા જર્મન ગૌસેવક “સુદેવી” પદ્મશ્રી પાછો આપવા ચાહે છે, સુષ્મા સ્વરાજે કર્યો મદદનો વાયદો
મથુરા: ગત 25 વર્ષથી મથુરામાં ગૌસેવક તરીકે કામ કરી રહેલા પદ્મશ્રી ફ્રેડરિક એરિના બ્રુનિંગ ઉર્ફે સુદેવી પોતાને એનાયત કરવામાં આવેલા પદ્મશ્રીના એવોર્ડને પાછો આપવા માંગે છે. 25 જૂને તેમના વીઝાનો સમયગાળો સમાપ્ત થઈ રહ્યો છે. તે ભારતમાં રહેવા ચાહે છે અને તેના માટે તેમણે વીઝા લંબાવવા માટે અરજી કરી હતી. પરંતુ વિદેશ મંત્રાલયે તેમની અરજીને નામંજૂર કરી હતી. આનાથી પરેશાન થઈને સુદેવીએ પદ્મશ્રી પાછો આપવાની વાત કહી છે. હવે આ મામલામાં સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું છે કે તેઓ આને ધ્યાન પર લેશે.
સુદેવી મથુરામાં રહીને એક આશ્રમ ચલાવે છે. તેમનો વીઝા 25 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. એક મીડિયા અહેવાલ મુજબ, તેમણે કહ્યું છે કે હું મથુરામાં સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરી રહી છું, જેથી એ જાણી શકું કે મારે હવે શું કરવું જોઈએ?. તેમણે કહ્યું છે કે પદ્મશ્રી પાછો આપવાથી દુખ થશે. પરંતુ જો વીઝા અરજી નામંજૂર કરવામાં આવે છે, તો તેમની પાસે પાછા પોતાના દેશમાં ગયા વગર બીજો કોઈ છૂટકો નથી. તેમણે કહ્યું છે કે આ પુરષ્કારને રાખવાનો શો મતલબ છે, જ્યારે હું અહીં રહી જ નથી શકતી અને બીમાર ગાયોની દેખભાળ કરી શકતી નથી? સુદેવી ઉર્ફે ફ્રેડરિક એરિનાએ કહ્યું છે કે તેમણે વીઝા લંબાવવા માટે રજી કરી હતી. પરંતુ વિદેશ મંત્રાલયના લખનૌ કાર્યાલયે કોઈપણ કારણ જણાવ્યા વગર તેમની અરજીને નામંજૂર કરી હતી.
સુદેવીએ કહ્યું છે કે તેમને સુષ્મા સ્વરાજના ટ્વિટની જાણકારી હજી મળી નથી. જો સુષ્મા સ્વરાજ આ મામલાને ધ્યાન પર લઈ રહ્યા છે, તો તેઓ તેમના આભારી હશે. જો કે હજી તેમની પાસે વિદેશ મંત્રાલયમાંથી કોઈ ફોન કૉલ અથવા મેસેજ આવ્યો નથી. સુદેવીનું કહેવુંછે કે વીઝાની અવધિ લંબાવવામાં નહીં આવે અને તેમને અનાથ ગૌવંશથી અલગ થવું પડશે, તો તેઓ પદ્મશ્રી એવોર્ડ સરકારને પાછો આપશે. દર વર્ષે મથુરા એલઆઈયૂના રિપોર્ટ પર વીઝાની અવધિ વધારવામાં આવતી હતી. આ વર્ષે ઓનલાઈન પ્રક્રિયાને કારણે વિદેશ મંત્રાલયે લખનૌ ખાતે એફઆરઓના કાર્યાલયમાં અરજી કરી હતી. ત્યાંથી તેમની વિનંતીને નામંજૂર કરવામાં આવી હતી.
સુદેવી 25 વર્ષ પહેલા મથુરા ફરવા માટે આવ્યા હતા. ત્યારે તેમણે રખડતી ગાયોની બદહાલી જોઈને તેની દેખભાળ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના માટે કોઈપણ પ્રકારના તામજામથી દૂર એક સુમસામ અને મલિન વિસ્તારમાં ફ્રેડરિક એરાન બ્રુનિંગ 2500થી વધારે ગાયો અને વાછરડાને એક ગૌશાળામાં પાળી રહ્યા છે. તેઓ જણાવે છે કે ગૌશાળાના મોટાભાગના જાનવરોને તેમનના માલિકે છોડયા બાદ ફરીથી અપનાવી લીધા હતા અને તેમને પોતાની સાથે લઈ ગયા હતા. બ્રુનિંગને સ્થાનિક લોકો સુદેવી માતાજી કહીને બોલાવી છે. સુદેવી ભાંગ્યું-તૂટયું હિંદી પણ બોલે છે.
સુદેવીને 2018માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે પદ્મશ્રી મળ્યો હતો. સુદવીએ સરકાર પ્રત્યે પોતાના આભાર વ્યક્ત કર્યો છે કે જેમણે તેમના કામને ઓળખ અને સમ્માનિત કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓ આશા કરે છે કે લોકો તેમનાથી પ્રભાવિત થશે અને જાનવરો પ્રત્યે દયાળું બનશે. તેઓ જણાવે છે કે ગૌશાળાના 60 કર્મચારીઓ છે અનેતેમના પગાર સાથે જાનવરો માટે અનાજ તથા દવાઓમાં દર મહીને 35 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. તેમની પૈતૃક સંપત્તિમાંથી તેમને દર મહીને છથી સાત લાખ રૂપિયા મળે છે.