ગાંધીનગરઃ અડાલજ નજીકથી પાસર થતી નર્મદા કેનાલમાં પાણી પાવી માટે એક ગાય ઉતરી હતી. અને કેનાલની દીવાલના ઢાળમાં પગ લપસતા ગાય કેનાલમાં ખાબકી હતી. અને ડુબવા લાગી હતી. પાણીમાંથી બહાર નિકળીવા માટે તરફડિયા મારતી હતી. દરમિયાન કોઈ રાહદારીએ આ દ્રશ્ય જોઈને ગાંધીનગરની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કેનાલ પર દોડી જઈ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી ગાયને ભારે જહેમત પછી કેનાલની બહાર કાઢી હતી.
ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી જતાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ઉનાળાના અસહ્ય તાપમાનમાં એક ગાય પાણીની તરસ છીપાવવા માટે અડાલજ નર્મદા કેનાલમાં ઉતરી ગઈ હતી. પાણીનો જોઈને ગાય કેનાલની પાળી ઓળંગીને ધીમે ધીમે કેનાલની કિનારીએ પહોંચી ગઈ હતી. કેનાલમાં ભરપેટ પાણી પીધા પછી બહાર પરત ફરતી વેળાએ ગાયનો પગ લપસી ગયો હતો. જેનાં કારણે ગાય કેનાલમાંથી ખાબકી હતી. જેનાં કારણે ગાયે બહાર નીકળવાનાં મરણિયા પ્રયાસો શરૂ કરી દીધા હતા. પરંતુ અનેક પ્રયત્નો કરવા છતાં ગાય કેનાલની બહાર આવી શકતી ન હતી. ઘણીવાર સુધી બચવા માટેનાં નિરર્થક પ્રયાસો કરીને ગાય પણ થાકી ગઈ હતી. એવામાં અત્રેના નીર્જન વિસ્તારમાંથી પસાર થતાં રાહદારીની નજર કેનાલમાં જીવન મરણનાં ઝોલાં ખાઈ રહેલી ગાય ઉપર પડી હતી. આથી તેમણે તાત્કાલિક ગાંધીનગર ફાયર બ્રિગેડને સમગ્ર બાબતે જાણ કરી હતી. જેનાં પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અડાલજ નર્મદા કેનાલ પહોંચી ગઈ હતી. અને તાકીદે ગાયનું રેસ્કયુ ઓપરેશન શરૂ કરી દીધું હતું.
ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાયને કેનાલમાંથી બહાર કાઢવા માટે પ્રયાસો કરવા છતાંયે ગાય પણ રિસ્પોન્સ આપતી ન હતી. બાદમાં ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત પછી ગાયને દોરડું બાંધવામાં સફળતા મેળવી હતી. અને દોરડાનાં સહારે ગાયને કેનાલની બહાર કાઢીને જ રાહતનો દમ લીધો હતો. આ દરમિયાન ગાયનો માલિક પણ કેનાલ ઉપર દોડી આવ્યો હતો.