અમદાવાદઃ કોરોના સંક્રમિત લોકોને કઈ દવા લેવી, શું કરવું તેના માટે સોશ્યલ મિડિયામાં સલાહકારો વધી ગયા છે. ઘણા લોકો કોરોના વાઇરસ સામે રક્ષણ અને ઇમ્યુનિટી વધારવા ગાયનું છાણ શરીર પણ લગાવી રહ્યાં છે. જોકે તેમ ન કરવા તબીબોએ સલાહ આપી છે. તબીબોએ એવી ચેતવણી આપી છે કે, છાણ અને ગૌમૂત્રથી કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વધારવાની વાત બોગસ છે. આ નુસખાને બોગસ ગણાવવાની સાથે ગાયના છાણથી શરીરમાં મ્યુકર માઇકોસિસનો ચેપ ફેલાઈ શકે છે.
ગાંધીનગરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના સૂત્રોના જણાવ્યા મુજબ, ગાયનું છાણ શરીર પર લગાવવાની થેરેપીથી કોરોના સામે ઇમ્યુનિટી વધે છે તેવું કોઈ રિસર્ચમાં સાબિત થયું નથી. અમદાવાદ મેડિકલ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાયના છાણ-મૂત્રથી કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વધારવાની આ થેરેપી શરીરના બગાડ સિવાય બીજું કશું નથી. ગાયના છાણ-મૂત્ર ઇમ્યુનિટીને ક્યારેય વેગ આપી શકતાં નથી, જેથી આ થેરેપી બોગસ અને અવિશ્વસનીય લાગે છે. આથી લોકોએ આ થેરેપીને બદલે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવાર લઈ બહાર આવેલા લોકો મ્યુકર માઇકોસિસથી ગ્રસ્ત થયા હાવોના કિસ્સા વધી રહ્યા છે.