Site icon Revoi.in

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો પર વોચ રાખવા અધિકારીઓને CPએ આપી સુચના

Social Share

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પાલીસ દ્વારા વાહનચાલકો પાસેથી તોડ કરાતી હોવાની અને ફરજમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો વધતા શહેરના પાલીસ કમિશનરે ટ્રાફિકની જવાબદારી સંભાળતા તમામ અધિકારીઓને ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો પર વોચ રાખવાની સુચના આપી છે. એટલું જ નહીં, યુનિફોર્મ વિના સાદા ડ્રેસમાં જઈને સમયાંતરે તપાસ કરવાના પણ જણાવ્યું છે.

અમદાવાદ શહેરના વિવિધ ટ્રાફિક  પોઇન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિકના પોલીસ જવાનો અને ટીઆરબી જવાનો દ્વારા દંડના નામે વાહનચાલકો પાસેથી તોડપાણી કરવાની ફરિયાદો ઊઠતા પોલીસ કમિશનર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. અને શહેરના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓને સુચના આપી છે કે મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં  આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો. છેલ્લાં ઘણા સમયથી  અમદાવાદના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર ટીઆરબી જવાનો અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી  ગેરકાયદેસર રીતે નિયમ ભંગના નામે નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે. જે અંગે એસીબીમાં ગુના પણ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઉચ્ચ પોલીસ અધિકારીઓને અનેક ફરિયાદો પણ મળી ચુકી હતી. જે બાબતની ગંભીર નોંધ લઇને પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા તાકીદની સુચના આપવામાં આવી છે.

શહેરના પોલીસ કમિશનરે ટ્રાફિકના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને જણાવ્યું છે કે ટ્રાફિક પોલીસની ગતિવિધી તેમના કામ કરવાની પધ્ધતિ પર નિયંત્રણ કરવાની આવશ્યતા  છે.  આ માટે ટીઆરબીના જવાનો અને ટ્રાફિક વિભાગના સ્ટાફ પર  સુપરવિઝન કરવા માટે તમામ સુપરવાઇઝરી અધિકારીઓને મહિનામાં ઓછામાં ઓછુ એકવાર ખાનગી વાહનમાં અને સાદા ડ્રેસમાં  ટ્રાફિકના વિવિધ પોઇન્ટ પર આકસ્મિક ચેકિંગ કરીને રિપોર્ટ આપવાનો રહેશે. પોલીસ કમિશનરએ લીધેલા આ નિર્ણયથી તોડપાણી કરતા ટ્રાફિક પોલીસના જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.