કેરળના વાયનાડ જિલ્લામાં પોલીસની એન્ટિ નક્સલ ટીમ થંડરબોલ્ટ સાથેની અથડામણમાં કુખ્યાત માઓવાતી લીડર સીપી જલીલ ઠાર થયો છે. આ એન્કાઉન્ટર એ સમયે થયુ હતું કે જ્યારે જલીલ પોતાના સાથીદારો સાથે એક રિસોર્ટમાં ભોજન અને નાણાંની માગણી કરવા માટે પહોંચ્યો હતો.
વાયનાડ જિલ્લાના વાયથિરીમાં એન્કાઉન્ટર થયું હતું. વાયનાડ જિલ્લાનો જંગલ વિસ્તાર કેરળમાં માઓવાદી ગતિવિધિઓનું કેન્દ્ર બનેલો છે. પોલીસનું કહેવું છે કે બુધવારે રાત્રે સશસ્ત્ર નક્સલીઓના એક જૂથે વાયથિરીમાં એક રિસોર્ટ પર ભોજન અને નાણાંની માગણી કરી હતી. તે વખતે એન્ટિ નક્સલ ટીમ થંડરબોલ્ટે આની ગુપ્ત જાણકારીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.
આ ટુકડીએ પોલીસની સાથે મળીને રિસોર્ટને ચારેતરફથી ઘેરી લીધું હતું. ખુદને ઘેરાયેલા જોઈને નક્સલીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. વળતી કાર્યવાહીમાં થંડરબોલ્ટ ટુકડીના જવાનોએ પણ ફાયરિંગ શરૂ કર્યું હતું. બંને તરફથી થોડાક સમયગાળા માટે ફાયરિંગ થયું હતુ.
આ અથડામણ દરમિયાન માઓવાદી નેતા સીપી જલીલને રિસોર્ટમાં જ ઠાર કરવામાં આવ્યો હતો. જ્યારે તેના અન્ય નક્સલી સાથીદારો ઘટનાસ્થળેથી ભાગી છૂટયા હતા અને જંગલમાં ગાયબ થઈ ગયા હતા. થંડરબોલ્ટ ટીમે વિસ્તારની ઘેરાબંધી કરીને તલાશી અભિયાન ચલાવ્યું હતું. પરંતુ કોઈ અન્ય નક્સલી હાથ આવ્યા નથી.
આ એન્કાઉન્ટર બાદ પોલીસ અને સુરક્ષાદળોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. માઓવાદીઓની ભાળ મેળવવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સીપી જલીલની ગણતરી ટોચના માઓવાદીમાં થતી હતી. પોલીસ તેને ઘણાં સમયથી શોધી રહી હતી.