ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક-એક દિવસીય CPR તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. જે અંતર્ગત તા.3જી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં 88 હજારથી વધુ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. આવતી કાલે તા. 17 ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમ યોજાશે જેમાં 77 હજાર શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતેથી બીજા તબક્કાની CPR તાલીમનો શુભારંભ કરાવશે.
શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત શાળાઓ મળીને કે.જી થી પી.જી સુધીના 2 લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવાનું જે આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતી કાલે બીજા તબક્કામાં 77,465 શિક્ષકોને તાલીમ અપાશે. તેની સાથે આવતી કાલની તાલીમના અંતે રાજ્યના 1.60 લાખ શિક્ષકો CPR તાલીમબદ્ધ થઈ જશે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી 108ને ત્વરીત બોલાવતા 05 થી 10 મીનીટનો સમય જતો હોય છે. તે 05 થી 10 મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.
આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) તાલીમ ડૉકટર સેલ ટીમ અને ISA ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાશે. જેમાં ગુજરાતની 37 મેડિકલ કોલેજો અને અન્ય 14 સ્થળો પર 2500થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાશે. આ કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં સવારે 10.00 થી સાંજે 06.00 કલાક સુધી યોજાશે જેમાં ડૉકટર તજજ્ઞો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનીંગ પુર્ણ થયા બાદ તાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ એનાયત કરાશે.
CPR વિષે નાગરિકો વધુ જાણકાર થાય એ આશયથી CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, ત્યારબાદ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. હવે ત્રીજા તબક્કામાં 31 ડિસેમ્બરે બાકી રહેલા શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. શિક્ષકો બાદ એન.એસ.એસ. અને એસ.સી.સી કેડેટ્સને તાલીમબદ્ધ કરવાનુ પણ આયોજન છે.