અમદાવાદઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે અને લોકો ધીમે-ધીમે દિવાળીની ખરીદીમાં જોતરાઈ રહ્યાં છે. દરમિયાન મોંઘવારીની અસર દિવાળીના તહેવારમાં પણ જોવા મળશે. ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયાનું જાણવા મળે છે. ફટાકડામાં ઉપયોગમાં દેવાતું દારૂખાનું અને મજુરીની કિંમતમાં વધારો થતા ફટાકડાના ભાવમાં વધારો થયાનું વેપારીઓ માની રહ્યાં છે.
કોરોના પછી ચાલુ વર્ષે દીવાળીની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાકાળમાં ફટાકડાની માંગ ઓછી હોવાથી કીંમતોમાં નજીવો ફેરફાર થયો હતો પરંતુ ચાલુ વર્ષે ફટાકડાની કીમતોમાં સરેરાશ 40 ટકાનો વધારો થયો છે. જેને લીધે ફટાકડાની ખરીદી માટે વધારે ખર્ચ કરવો પડશે. ફટાકડા વિક્રેતાઓનું કહેવુ છે કે, પાછલા વર્ષ સુધી હોલસેલમાં સુતળી બમના પેકેટની કીમત 30થી 35 હતી. જે ચાલુ વર્ષે રૂ. 45 જેટલી થઈ છે. તેમજ નાની કોઠીનું એક પેકેટ રૂ. 15થી 20માં મળતા હતા, જે હાલ રૂ. 45ની આસપાસ મળે છે.
ફટાકડાના એક વેપારીએ જણાવ્યું હતું કે, ફટાકડાની કીમતોમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. જેની પાછળ ફટાકડાના ઉત્પાદનમાં થયેલા વિલંબ મુખ્ય કાર માનવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી જે ફટાકડા બનાવવામાં આવતા હતા તે બેરિયમ કેમિકલથી બનાવાતા હતા, પરંતુ તે હાનિકારક હોવાથી કોર્ટ દ્વારા તેના સ્થળે ટોન્સિયમ વાપરવાની ગાઇડલાઇન આપવામાં આવી હતી. તે મુજબ વ્યવસ્થા તૈયાર કરવામાં ઉત્પાદન પર અસર પડી હતી.