મુંબઈઃ ભારતીય શેરબજારના રોકાણકારો માટે સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર બ્લેક મન્ડે સાબિત થયું હતું. અમેરિકા સહિતના યુરોપિયન દેશોના મંદી અને મોંઘા દેવાના કારણે સ્થાનિક વિદેશી રોકાણકારો સતત પ્રોફિટ બુક કરી રહ્યા છે, જેના કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ 1,000 પોઈન્ટ અને નિફ્ટી 350 પોઈન્ટ ગગડી ગયો હતો, જેના કારણે રોકાણકારોમાં કચવાટ જોવા મળ્યો હતો. માર્કેટ તુટતા રોકાણકારોની સંપત્તિમાં લગભગ 7 લાખ કરોડનું ધોવાણ થયું હતું. બીએસસીમાં 950 અને એનએસસીમાં લગભગ 300 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.
શેરબજારના જાણકારોના મતે, મુંબઈ સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારે રૂ. 276.65 લાખ કરોડ હતું, જે સોમવારે ટ્રેડિંગ શરૂ થયાના થોડા કલાકોમાં ઘટીને રૂ. 269.86 લાખ કરોડ થઈ ગયું હતું. એટલે કે રોકાણકારોને લગભગ 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 20 સપ્ટેમ્બર, 2022 ના રોજ, બજાર છેલ્લી વખત તેજી સાથે બંધ થયું હતું, તે દિવસે માર્કેટ કેપ 283.32 લાખ કરોડ રૂપિયા હતું. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ માત્ર ચાર ટ્રેડિંગ સેશનમાં 13.50 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આ સપ્તાહે 28-30 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે. બે મહિનાના ઘટાડા બાદ ઓગસ્ટ મહિનામાં ફરીથી છૂટક મોંઘવારી દરમાં વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારી દર 7 ટકા રહ્યો છે. આવી સ્થિતિમાં બજાર નિષ્ણાતો આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની આગાહી કરી રહ્યા છે. 30 સપ્ટેમ્બરે, RBI રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સ વધારવાની જાહેરાત કરી શકે છે, ત્યારબાદ રેપો રેટ 5.40 ટકાથી વધીને 5.90 ટકા થઈ શકે છે.