કોવિડ-19 મહામારીમાં 2 લાખ સંસ્થાકીય રોજગારીનું સર્જન
- રાજ્યસભામાં બેરોજગારીનો મુદ્દે ગુંજ્યો
- એક વર્ષમાં બેરોજગારી દર ઘટ્યાનો દાવો
નવી દિલ્હીઃ દેશમાં રોજગારીની તકો ઉભી કરવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ ફરીથી વેપાર-ધંધા ફરીથી પાટે ચડ્યાં હતા. દરમિયાન કોરોના મહામારીમાં બે લાખ સંસ્થાકીય રોજગારી વધવાની સાથે બેરોજગારીનો દર ઘટ્યો હોવાનું જાણવા મળે છે.
રાજ્યસભામાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતી વખતે મંત્રીએ જણાવ્યું હતું કે, જુલાઈથી સપ્ટેમ્બર 2021ના સમયગાળા માટે ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણના બીજા રાઉન્ડમાં દર્શાવેલ છે કે કોવિડ-19 દ્વારા ઊભા થયેલા પડકારો છતાં દેશમાં બે લાખ સંસ્થાકીય રોજગારીનું સર્જન થયું છે. તેમણે જણાવ્યું હતું કે, સર્વેક્ષણ એ પણ સંકેત આપે છે કે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો છે જ્યારે શ્રમ દળની ભાગીદારી દરમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાના પુનરુત્થાન સાથે, ત્રણેય શ્રમ બજાર સૂચકાંકો એટલે કે કામદાર વસ્તી ગુણોત્તર, શ્રમ દળની સહભાગિતા દર અને બેરોજગારીનો દર ઝડપી પુનઃપ્રાપ્તિ દર્શાવે છે.
(Photo-File)