પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિનું નિર્માણઃ ઈસ્લામવાદી પાર્ટીના નેતાની ધરપકડ બાદ તોડફોડ અને આગચંપી
દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કટ્ટરપંથી ઇસ્લામવાદી પાર્ટીના નેતાની ધરપકડ થયા બાદ દેશના ઘણા ભાગોમાં હિંસક પ્રદર્શન બાદની ઘટનાઓ સામે આવી છે. વિરોધ કરનારાઓએ દેશનાં સૌથી મોટા શહેર કરાચી સહિતના ઘણા શહેરોના રસ્તાઓ બ્લોક કર્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રાન્સમાં ઇંશનિંદાવાળા કેટલાક પ્રકાશનો માટે ફ્રાન્સના રાજદૂતને હાંકી કાઢવાની માગણી સાથે છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતાં, દરમિયાન સરકારે વિરોધ કરી રહેલા કટ્ટરપંથી ઇસ્લામિક તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી) પર પ્રતિબંધ મૂક્યો હતો અને તે પાર્ટીનાં પ્રમુખને જેલ મોકલી દીધા હતા. પાકિસ્તાનમાં ઇસ્લામવાદી પક્ષના નેતાની ધરપકડ થયા બાદ હંગામો વધ્યો હતો. લાહોર, રાવલપિંડી સહિતના ઘણા શહેરોમાં આગચંપીના બનાવો બન્યાં છે. પાકિસ્તાનની પરિસ્થિતિ નિયંત્રણની બહાર થઇ ચુકી હોવાનું મનાઈ રહ્યું છે. ઇમરાન સરકાર અને સેનાની વિરૂધ્ધ લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.