ગાંધીનગરઃ ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણના નિયંત્રણ માટેનો મહત્ત્વાકાંક્ષી એમિશન ટ્રેડિંગ સ્કીમનો પ્રોજેક્ટ આગામી બેથી ત્રણ મહિનામાં અમદાવાદમાં શરૂ કરવાની જાહેરાત વન અને પર્યાવરણ મંત્રીએ ગુજરાત વિધાનસભામાં કરી હતી. આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ ઊંચું પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોને દંડ ફટકારાય છે. આ દંડ થકી જમા થતી રકમમાંથી જે એકમો પ્રમાણિત કરતાં પણ ઓછું પ્રદુષણ કરતા હોય તેમને ઈનામ સ્વરૂપે આપવામાં આવશે. આ ઉપરાંત ઓછું પ્રદૂષણ ફેલાવતા એકમોને તેટલા યુનિટ ક્રેડિટ તરીકે અપાશે, જે પ્રમાણિત પ્રદૂષણ એકમ કરતા ઓછા હશે. જે ઉદ્યોગો વધુ પ્રદૂષણ કરતા હશે, તેમને તેમની આસપાસના ક્રેડિટ ધરાવતા એકમો પાસેથી પરમિટ ખરીદવી પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના પ્રોજેકટની સફળતાને ધ્યાને લઇને અમદાવાદમાં આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનો નિર્ણય કરાયો છે. પ્રથમ તબક્કે વટવા, નારોલ, સાણંદના 126 યુનિટને આવરી લેવાશે જે પૈકી 112 યુનિટમાં આ સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. પ્રથમ તબક્કાનું અમલીકરણ ત્રણથી ચાર મહિનામાં થશે. બીજા તબક્કામાં દાણીલીમડા, બહેરામપુરામાં 86 એકમોને આવરી લઇ કુલ 202 ઉદ્યોગોમાં પ્રોજેક્ટનો અમલ થશે. સરકારે શિકાગો યુનિવર્સિટી અને યેલ યુનિવર્સિટી સાથે આ માટે એમઓયુ કર્યા છે. સુરતમાં 2019માં 155 ઉદ્યોગોમાં પાઇલોટ પ્રોજેક્ટનો અમલ કરાયો હતો. આ ઉદ્યોગોમાં અન્ય ઉદ્યોગોની સરખામણીએ પાર્ટીક્યુલેટ મેટરના પ્રમાણમાં 20 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. કન્ટિન્યુઅસ મોનિટરિંગ સિસ્ટમને કારણે ઉદ્યોગોમાં સેલ્ફ રેગ્યુલેશન પણ વધ્યું છે. આ પાઇલોટ પ્રોજેક્ટથી ઉદ્યોગોને ઓછા ખર્ચે હવા પ્રદૂષણના નિયંત્રણમાં મદદ મળી છે.(file photo)