Site icon Revoi.in

ક્રિકેટને લાગ્યું કોરોના ગ્રહણઃ એશિયા કપ ટુર્નામેન્ટ આ વર્ષે નહીં યોજાય

Social Share

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીને પગલે આઈપીએલને અટકાવામાં આવી હતી. દરમિયાન આગામી જૂન મહિનાથી શ્રીલંકામાં એશિયા કપ ટુર્નામેન્ટનો પ્રારંભ થવાનો હતો. જો કે, શ્રીલંકામાં કોરોનાના કેસ વધતા એશિયા કપ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. એશિયા કપને લઈને છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી. જેની ઉપર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે વર્ષ 2023માં આયોજન કરવામાં આવે તેવી શકયતા છે.

શ્રીલંકા ક્રિકેટ સીઇઓ એશ્લે ડી સિલ્વા એ જણાવ્યું હતું કે, હાલમાં જે પ્રમાણેની પરિસ્થિતી છે, તેને ધ્યાનમાં લઈને સંભવ નથી કે, આ વર્ષે જૂન માસમાં એશિયા કપ ટુર્નામેન્ટનુ આયોજન કરી શકાય. હવે એશિયા કપને આગામી 2023 ના વિશ્વ કપ બાદ જ તેનુ આયોજન કરી શકાશે. આગળના બે વર્ષ સુધીના તમામ ટીમોના કાર્યક્રમ પહેલાથી જ નક્કી થઇ ચુક્યા છે. એશિયા કપનુ આયોજન પાછળના વર્ષે પાકિસ્તાનમાં કરવામાં આવનાર હતુ. જોકે ભારતીય ટીમના પાકિસ્તાન જવા ના ઇન્કારને લઇને શ્રીલંકામાં પ્રસ્તાવિત કરવામાં આવ્યુ હતુ. જોકે ચાલુ સાલે પણ જૂન માસમાં ટુર્નામેન્ટનુ આયોજન કરવાની સાથે જ એશિયા કપ પર સંકટના વાદળો ઘેરાયાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી છે. જેથી કોરોના મહામારી અને તેની ગાઈડલાઈનને પગલે જો એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હોય તો ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓ તેમાં ભાગ લે તેવી શકયતાઓ નહીંવત હતી.