ક્રિકેટઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ T20 મેચ
મુંબઈ:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની T20 સિરીઝની પ્રથમ મેચ 18 નવેમ્બર (શુક્રવાર)ના રોજ વેલિંગ્ટનમાં રમાશે.કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં આ સિરીઝમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યા છે.ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપની નિરાશાને ભૂલીને નવી શરૂઆત કરવાનું લક્ષ્ય રાખશે.આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યે શરૂ થશે
ઇશાન કિશન અને શુભમન ગિલ પ્રથમ T20 મેચમાં ઇનિંગની શરૂઆત કરી શકે છે.જો કે, ટીમ મેનેજમેન્ટ ટોચના ક્રમમાં રિષભ પંતને બીજી તક પણ આપી શકે છે.ભારત ન્યુઝીલેન્ડમાં બીજા ક્રમની ટીમને મેદાનમાં ઉતારી રહ્યું છે પરંતુ તેમ છતાં ટીમના સભ્યો પાસે સારો આંતરરાષ્ટ્રીય અનુભવ છે.છેલ્લા 12 મહિનામાં ઇશાન કિશનને ટોચના ક્રમમાં નિયમિત તકો મળી રહી છે અને આ સિરીઝ દ્વારા તે તેની યોગ્યતા સાબિત કરવા માંગે છે.
સંજુ સેમસનને વધુ એક તક મળી છે અને તે તેનો ફાયદો ઉઠાવવા આતુર રહેશે.વોશિંગ્ટન સુંદર પણ આ સિરીઝ સાથે ટીમમાં પરત ફરશે અને તેની પાસેથી પણ બેટ અને બોલમાં સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.ટી-20માં ભારતની સમસ્યાઓનું એક મોટું કારણ ફિંગર સ્પિનરોની વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવામાં અસમર્થતા છે.આવી સ્થિતિમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને આ સિરીઝમાં ફરી એકસાથે બોલિંગ કરવાની તક મળી શકે છે.