એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નવા રેકોર્ડ ઉપર ક્રિકેટ પ્રેમીઓની નજર
નવી દિલ્હીઃ એશિયાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ એશિયા કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસ બાકી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની નજર રેકોર્ડ 8મી વખત એશિયા કપ ટાઈટલ જીતવા પર હશે. જો કે એશિયા કપ દરમિયાન રોહિત શર્મા પાસે બેટની સાથે સાથે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કરવાની તક છે.
રોહિત શર્મા એશિયા કપમાં 1000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની શકે છે. રોહિત શર્માએ એશિયા કપમાં અત્યાર સુધી 883 રન બનાવ્યા છે. જો રોહિત શર્મા આ ટૂર્નામેન્ટમાં 117 રન બનાવવામાં સફળ થશે તો તે 1000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની જશે.
એશિયા કપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે બેટ્સમેન 1000 રન બનાવી શક્યા છે. જો કે અત્યાર સુધી 1000 રન બનાવનાર બંને ખેલાડીઓ શ્રીલંકાના છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા અને કુમાર સંગાકારાએ એશિયા કપના ઈતિહાસમાં 1000 રન પૂરા કરવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. હવે રોહિત શર્મા પાસે આ સિદ્ધિ હાંસલ કરનાર ત્રીજા બેટ્સમેન બનવાની તક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પડોશી દેશ શ્રીલંકા આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, જેથી એશિયા કપનું આયોજન અન્ય દેશમાં કરવામાં આવ્યું છે. તા. 28મી ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. આ હાઈપ્રોફાઈલ ક્રિકેટ મેચને નિહાળવા માટે બંને દેશના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ભારત અને પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ દ્વારા હાલ પ્રેકટીસ કરવામાં આવી રહી છે.