ક્રિકેટ વર્લ્ડકપઃ એશિયા કપમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનમાં ટીમ પસંદગીને લઈને અસમંજસ
નવી દિલ્હીઃ એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. એશિયા કપમાં ભારત અને શ્રીલંકા ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમોએ ભાગ લીધો હતો. જો કે, પાકિસ્તાનનો સુપર ફોરમાં ભારત સામે કારમા પરાજ્ય બાદ શ્રીલંકા સામે પણ હાર થઈ હતી. જેથી પાકિસ્તાનની અંદર જ કેપ્ટન બાબરની કેપ્ટનશીપ ઉપર સવાલો ઉભા થયાં છે, એટલું જ નહીં પાકિસ્તાનની ટીમમાં જુથવાદ હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. બીજી તરફ કેટલાક પ્લેયરો પણ હાલ ઈજાગ્રસ્ત છે. જેની અસર વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમની પસંદગીને લઈને થઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હજુ સુધી વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમના ખેલાડીઓની જાહેરાત કરી નથી. જેથી વિવિધ અટકળો વહેતી થઈ છે.
ભારતમાં 15 દિવસ બાદ વન-ડે વિશ્વકપની શરૂઆત થશે. વર્લ્ડકપનો પ્રારંભ 5મી ઓકટોબરના રોજ થશે અને 19મી નવેમ્બરના રોજ ફાઈનર રમાશે. વિશ્વકપમાં આ વખતે 10 ટીમ ભાગ લઈ રહી છે. વર્લ્ડકપમાં ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. જે પૈકી સાત દેશની ટીમો જાહેર થઈ ચુકી છે. જો કે, 1992માં વર્લ્ડકપ જીતનાર પાકિસ્તાને હજુ સુધી ટીમની જાહેરાત કરાઈ નથી. બાબર આઝમની કેપ્ટનીમાં પાકિસ્તાની ટીમ એશિયા કપમાં સુપર-4માંથી બહાર થઈ ગઈ હતી. તેમજ યુવા ઝડપી બોલર નસીમ શાહ ઈજાગ્રસ્ત થયા હોવાથી તેનું વિશ્વકપમાં રમવાની શકયતાઓ ઓછી છે. આ ઉપરાંત હારિક રઉફ પણ ઈજાગ્રસ્ત હોવાથી ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર શાદાબ ખાનનું પ્રદર્શનથી ટીમ મેનેજમેટની મુશ્કેલી વધી છે. હવે જોવાનું રહે છે પીસીબી હવે ક્યારે પાકિસ્તાનની ટીમ જાહેર કરે છે. જો કે, પાકિસ્તાનની ટીમમાં કેપ્ટન બાબર આઝમ સામે નારાજગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.