અમદાવાદઃ શહેરમાં આજે ગૂરૂવારે ક્રિકેટ વર્લ્ડ કપની મેચની શરૂઆત થશે. શહેરમાં નવરાત્રિ અને ક્રિકેટ મેચને લઈને પોલીસ તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ઉપરાંત શહેર પોલીસ કમિશ્નર દ્વારા ક્રિકેટ મેચોને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 15 પાર્કિગ પ્લોટ નિયત કરાયા છે. તેમજ સવારે 11 થી રાત્રે 12 સુધી કેટલાક રૂટ્સ પણ ડાયવર્ટ કરાયા છે. ત્યારે 5 અને 14 ઓક્ટોબર તેમજ 4,10,19 નવેમ્બરની વર્લ્ડ કપ મેચ રમાશે. વર્લ્ડ કપ મેચ દરમિયાન ટ્રાફિક સહિત પોલીસનાં 3 હજારથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત રહેશે.
શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી વર્લ્ડકપ ક્રિકેટ મેચના કારણે જનપથ-ટીથી મોદી સ્ટેડિયમના મુખ્ય ગેઈટ થઈને કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા સુધીનો માર્ગ બંધ રહેશે. આ ઉપરાંત શહેરના તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગ પરથી અવરજવર કરી શકાશે તેમજ કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ક્રિકેટ મેચ લઈ ટ્રાફિક વિભાગ દ્વારા સ્ટેડિયમ બહાર રોડ પર 1 એડી.સીપી, 3 ડીસીપી, 4 એસીપી, 9 પીઆઇ, 17 પીએસઆઇ સહિત 1200 પોલીસ કર્મી તૈનાત રહેશે. મેચ જોવા આવતા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તેવી ટ્રાફિક પોલીસ એક અપીલ કરવામાં આવી છે. અને સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવનારા લોકો બહારગામથી વાહનો લઇને આવે તે લોકોએ પાર્કિંગ પ્લોટમાં વાહનો પાર્ક કરવાના રહેશે. ત્યારે અમદાવાદ શહેરના લોકો મેચ જોવા આવતા હોય તો તે લોકો મેટ્રો, BRTS કે AMTSનો ઉપયોગ કરે જેમાં દર 7 મિનિટ મેટ્રો ટ્રેન સ્ટેડિયમ દોડશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો જેટલો મહત્તમ ઉપયોગ કરશે તેટલી સુચારૂ વ્યવસ્થા જળવાઇ રહેશે
આ બાબતે ટ્રાફિક ડીસીપીના કહેવા મુજબ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની અમદાવાદ શહેરમાં પાંચ મેચો રમાવા જઈ રહી છે.જેને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે મુજબ ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેને લઈ જનપથ થી સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થી મોટેરા ટી સુધીનો માર્ગ સવારે 11 વાગ્યાથી રાત્રીનાં 12.00 સુધી બંધ રહેશે. તેમજ આ જાહેરનામું આજે ગુરૂવારની મેચ સહિત તમામ મેચો માટે લાગુ પડશે. ટ્રાફિક ન થાય તે માટે 15 જેટલા પ્લોટો છે. જેમાંથી ચાર ટુ વ્હીલર માટેનાં છે. તેમજ 11 ફોર વ્હીલર માટેનાં પાર્કિગ પ્લોટો છે. આ જે પાર્કીગ પ્લોટ છે. માર્ગ ઉપર કોઈ પણ જગ્યાએ અડચણરૂપ વાહનથી ટ્રાફિક ન થાય તે માટે સતત ક્રેન માર્ગ પર ફરતી રહેશે. તેમજ મેચ વખતે એડીશનલ પોલીસ કમિશ્નર, 3 ડીસીપી, 4 એસીપી સહિત 1250 જેટલા ટ્રાફિકનાં અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે.