Site icon Revoi.in

ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

Social Share

અમદાવાદઃ ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલે 18 વર્ષની કારકિર્દી બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. પાર્થિવ પટેલને ભારતીય ટીમ વતી રમવાની પહેલી તક 2002માં મળી હતી. તે વખતે તેમણે સૌથી નાની વયના વિકેટકિપરનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

પાર્થિવ પટેલે ટ્વીટર પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, મારી 18 વર્ષની લાંબી ક્રિકેટ કારકિર્દીનો સ્વેચ્છાએ અંત આણી રહ્યો છું. BCCIએ મારા ઉપર વિશ્વાસ રાખીને મને માત્ર 17 વર્ષની વયે ટેસ્ટ ક્રિકેટમાં રમવાની તક આપી હતી. BCCIના અત્ચાર સુધીમાં સાથ સહકાર બદલ BCCIનો આભાર માનું છું. પાર્થિવ પટેલે પોતે જે કેપ્ટન સાથે રમ્યો તેમનો પણ આભાર માન્યો હતો. સૌરભ ગાંગુલીનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, એક કેપ્ટન તરીકે એમણે હંમેશા મને સાથ આપ્યો અને એ મારા માટે ખુશીની વાત હતી.

પાર્થિવ પટેલે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 જેટલી ટી-20 મેચો ટીમ ઈન્ડિયા માટે રમી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેઓ ગુજરાત માટે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યાં છે. પાર્થિવ પટેલે ભારતીય ટીમમાં 17 વર્ષ અને 153 દિવસની ઉંમરે પ્રવેશ કર્યો હતો. તેમજ રણજી ટ્રોફીમાં તેમણે નવેમ્બર 2004માં ડેબ્યુ કર્યું હતું.  પાર્થિવ પટેલે પોતાની કરિયરમાં 31.13ની સરેરાશથી 934 રન કર્યા. જેમાં 6 અડધી સદી સામેલ છે. તેણે 62 જેટલા કેચ કર્યા અને 10 સ્ટમ્પ આઉટ કર્યા. પાર્થિવ પટેલ આઈપીએલમાં રમતા હતા.