ભાણવડઃ સંબંધીને ઘરે આવેલી દીકરી, માતા અને દાદીએ કર્યો સામુહિક આપઘાત, રહસ્ય અકબંધ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આજે જામનગરના ભાણવડમાં સંબંધીના ઘરે રહેવા આવેલી દીકરી, માતા અને દાદીએ ઝેરી દવા ગટગટાવીને સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં રહેતા નૂરજાબાનું નૂરમામદ શેખ દીકરી અને માતા સાથે ત્રણેક દિવસ પહેલા ભાણવડમાં સંબધીના ઘરે રહેવા આવ્યાં હતા. દરમિયાન આજે સવારે ત્રણેય મહિલાઓના મૃતદેહ મળી આવ્યાં હતા. દીકરી, માતા અને દાદીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળે છે. ભાણવડમાં સાહિસ્તા ઉર્ફે સોનુ નૂરમામદ શેખ (ઉ.વ 18) જેનમબાનું કાસમ ખાન સરવણીયા પઠાણ (ઉ.વ 63) અને નૂરજાબાનું નૂરમામદ શેખ (ઉ.વ 42)એ સામુહિક આત્મહત્યા કરી હોવાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.
પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ ઘરમાં તપાસ કરી હતી. જો કે, કોઈ સ્યુસાઈટ નોટ મળી નહીં વી હોવાનું જાણવા મળે છે. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમજ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યાં છે.
- વડોદરામાં માતા અને દીકરીનું ભેદી સંજોગોમાં મોત
વડોદરા શહેરના સમા વિસ્તારમાં 35 વર્ષની માતા શોભના અને 5 વર્ષની પુત્રી કાવ્યાનું મોત નીપજ્યું છે. બંનેના મૃતદેહ પીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે. એસીપી ભરત રાઠોડે નિવેદન આપ્યું હતું કે, હાલમાં બંને માતા પુત્રીના શંકાસ્પદ મૃતદેહો મળ્યા છે. પીએમ બાદ જ મોતનું કારણ સામે આવશે. મહિલાના પતિની પોલીસે અટકાયત કરી છે. મૃતક મહિલાનો પતિ ઘર જમાઈ તરીકે રહેતો હતો.
- જામનગરમાં પતિએ પત્ની અને પુત્રને જીવતા સળગાવ્યાં
જામનગરમાં જામજોધપુરના સડોદર ગામે પતિએ પત્ની અને માસુમ પુત્રને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. બંનેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ જામનગર ખસેડાયા હતા. પુત્ર રડતો હોવાથી તને સાચવતા આવડતું નહીં હોવાનું જણાવી તકરાર કરી હતી અને માતા-પુત્ર ઉપર પેટ્રોલ છાંટી હત્યાનો પ્રયાસ કરી ફરાર થયો છે.