અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિતસિંહની બનાવની અઢી મહિના બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ ઉત્તરવહીકાંડ કર્યા બાદ ગુજરાત છોડીને ફરાર થઈ ગયા હતા. અઢી મહિના સુધી ફરાર રહ્યા બાદ આરોપી અમદાવાદ આવ્યા આવતા જ ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓ નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી પાસ કરાવવા એક પેપરદીઠ રૂ. 50 હજાર લેતા હતા. આવી રીતે બન્નેએ અત્યારસુધીમાં 60 જેટલા વિદ્યાર્થીઓને પાસ કરાવ્યા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. આ કેસમાં અગાઉ યુનિવર્સિટીના કર્મચારી સંજય ડામોરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ એનએસયુઆઈ સહિત વિદ્યાર્થી સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યા બાદ આ બનાવની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ઉત્તરવહી કૌભાંડના મુખ્ય આરોપીઓના નામ ખૂલતા જ આરોપી સની ચૌધરી અને અમિતસિંહ પલાયન થઈ ગયા હતા. દરમિયાન બનાવના અઢી મહિના બાદ મામલો શાંત પડતા બન્ને આરોપીઓ અમદાવાદ પરત ફરતા રાહ જોઈને બેઠેલી ક્રાઈમ બ્રાન્ચે બન્નેને દબોચી લીધા હતા.
ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે સની ચૌધરી અને અમિતસિંહ બન્ને નવાવાડજના રહેવાસી છે. બન્ને આરોપી વિદ્યાર્થી છે અને ત્રણ વર્ષમાં 60 વિદ્યાર્થી પાસ કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બન્ને પાસેથી એવું જાણવા મળ્યું છે કે ઉત્તરવહી માટે સ્ટ્રોંગ રૂમ છે, એનો પટાવાળો સંજય ડામોર હતો, તેની સાથે સેટિંગ કરી લગભગ 60 આસપાસ વિદ્યાર્થીઓ સાથે સેટિંગ કરી દરેક પાસેથી 20થી 50 હજાર રૂપિયા લઈ પાસ કરાવ્યા છે. આરોપીઓના રાજકીય નેતાઓ સાથે પણ ફોટા છે. પણ આ કોઈ રાજકીય પક્ષના ઓફિશિયલ હોદ્દેદાર અને કોઈપણ સ્ટુડન્ટ પક્ષ સાથે જોડાયેલા હોય એવું અત્યારસુધી જોવા મળ્યું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલાં આરોપીઓ NSUI અને ABVP સાથે જોડાયેલા હોવાનો દાવો કરતા હતા, પણ તેઓ કોઈ ઓફિશિયલ હોદ્દેદાર નથી, તેઓ લોકોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર હોદ્દા લખતા હતા એવું જાણવા મળ્યું છે. ફેઈલ સ્ટુડન્ટ હતા તેમના નામ જાણ્યા પછી તેમની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરતા હતા. જ્યારે રિઝલ્ટ આવતું હતું ત્યારે તેઓ જાણી લેતા હતા કે કોણ નાપાસ થયું છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ઇન્સ્ટાગ્રામની મદદથી કોન્ટેક કરતા હતા. ત્યાર બાદ જ્યારે વિદ્યાર્થી રેડી થઈ જતો કે પૈસા આપીને પાસ થઈ જવા માટે તૈયાર છે, ત્યારે તે વ્હોટ્સએપ-ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેમનો કોન્ટેક કરતા હતા અને જ્યારે રી-ટેસ્ટ હોય ત્યારે એક પેસિફિક માર્ક નક્કી કરતા હતા. પેસિફિક માર્ક ઉત્તરવહી ઉપર કર્યા પછી એ કોરી ઉત્તરવહી સ્ટોર રૂમ ખાતે મોકલી આપવામાં આવતી હતી.જ્યારે સંજય ડામોર રાતના સમયે માર્કિંગવાળી ઉત્તરવહી અલગ કરીને સની અને અમિતને આપી દેતો હતો અને રાતના સમયે વિદ્યાર્થીને બોલાવી બાઈજીપુરામાં એક કોમ્પ્લેક્સ છે એમાં જઈ ઉત્તરવહી લખાવી લેતા હતા. ત્યાર બાદ વહેલી સવારે ઉત્તરવહી ફરીથી સ્ટોર રૂમમાં રાખી પાસ કરવાનું કૌભાંડ કરાવતા હતા.