રાજકોટ અગ્નિકાંડમાં પુરાવાનો નાશ કરવાના મુદ્દે મ્યુનિના બે અધિકારીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
રાજકોટઃ શહેરના અગ્નિકાંડના મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપી એવા અધિકારીઓની ધરપકડ કરી હતી. આરએમસીના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણા તથા જયદિપ ચૌધરીની પુરાવાનો નાશ કરી અને ખોટું રજિસ્ટર બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અગ્નિકાંડ મામલે ધરપકડ કરાયેલા આરોપીઓનો આંક 12 સુધી પહોંચ્યો છે, જે પૈકી 9 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે. અને આરોપીઓનો આંક હજુ વધે તેવી શક્યતા છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગ્નિકાંડ મુદ્દે તપાસ ચલાવવામાં આવી રહી છે દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા ગુરુવારે જમીન માલિક અશોકસિંહ જાડેજાની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન એવી હકિકત જાણવા મળી હતી કે, અગ્નિકાંડના બીજા દિવસે પુરાવાનો નાશ કરી ખોટું રજિસ્ટ્રાર તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મ્યુનિના ટાઉન પ્લાનિંગ વિભાગના વધુ બે આરોપીઓની સંડોવણી ખૂલતા ATP રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા સામે વધુ એક પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અગ્નિકાંડના ત્રીજા દિવસે એટલે કે 27.5.2024ના રોજ સાગઠીયાએ ગર્ભીત ધમકી સાથેની કડક સુચના આપી પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા મિનિટ્સ બુકની ખોટી માહિતી દર્શાવી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇપીસી કલમ 465, 466, 471, 474 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ રાજકોટ મ્યુનિ.ના ચાર અધિકારીઓ સહીત કુલ 9 આરોપીઓ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે. જયારે જમીન માલિક આરોપી અશોકસિંહ જાડેજા રિમાન્ડ પર છે. દરમિયાન વધુ બે અધિકારીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.