ઉત્તરપ્રદેશમાં ગુનેગારો બન્યાં બેફામઃ ચિત્રકૂટ જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે ધાણીફુટ ગોળીબાર, 3 કેદીઓના મોત
લખનૌઃ ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જેલની અંદર બે જૂઝ વચ્ચે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં બે ગુનેગારોના મોત થયાં હતા. મૃતકોમાં બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીના એક નજીકની વ્યક્તિનો સમાવેશ થાય છે. જેલ પોલીસની જવાબી કાર્યવાહીમાં હત્યારા ગેંગસ્ટર પણ મૃત્યુ પામ્યો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેલના સુત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં સુલ્તાનપુર જેલથી ચિત્રકુટ જેલમાં શિફ્ટ કરાયેલા પૂર્વાંચલના ગેંગસ્ટર અંશુ દિક્ષિતે ગોળીબાર કરીને મુકીમ કાલા અને મેરાજની હત્યા કરી હતી. મુકીમ કાલા પશ્ચિમી ઉત્તર પ્રદેશનો ઈનામી ગેંગસ્ટર હતો. જ્યારે મુન્ના બજરંગીની હત્યા બાદ મેરાજ રાજકીય આગેવાન મુખ્તાર અંસારીનો નજીકનો માણસ બની ગયો હતો. ગોળીબાર બાદ જેલ પરિસરમાં ઉચ્ચ અધિકારીઓ સહિતની પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જેલને સૌથી વધારે સુરક્ષિત માનવામાં આવે છે. જો કે, જેલમાં ગોળીબારની ઘટના બાદ પોલીસ અને જેલસત્તાવાળાઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.
- અંશુએ પાંચ કેદીઓને બનાવ્યાં હતા બંધક
જેલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, અંશુ દીક્ષિતે મુકીમ કાલા અને મેરાજ અલીને માર્યા બાદ પાંચ કેદીઓને બનાવ્યાં હતા. જેલ સત્તાવાળાઓએ કેદીઓને છોડવા માટે અંશુને સૂચના આપી હતી. પરંતુ આરોપીએ તેમને મુક્ત કરવાનો ઈન્કાર કર્યો હતો. જેથી પોલીસે એન્કાઉન્ટરમાં અંશુને પણ ઠાર માર્યો હતો. આ ઘટના બાદ જેલમાં તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ જેલમાં હથિયાર કેવી રીતે પહોચ્યું તે અંગે પણ તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. પોલીસે તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.