પાંચમા તબક્કાના 695 ઉમેદવારો પૈકી 159 ઉમેદવારો સામે દાખલ છે ફોજદારી કેસ
લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચૂક્યું છે.. 20 મે ના રોજ પાંચમા તબક્કાનું મતદાન યોજાનાર છે. પાંચમા તબક્કામાં 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 લોકસભા બેઠકો માટે 695 ઉમેદવારો મેદાનમાં છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચે આ ઉમેદવારોના એફિડેવિટ્સનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં 159 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે, જેમાંથી 122 ગંભીર ગુનાના કેસ હોવાનું સામે આવ્યું છે. પાંચમા તબક્કામાં કુલ 227 કરોડપતિ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
મહિલાઓ પર અત્યાચારના 29 કેસ
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 10 ઉમેદવારો સામે ભડકાઉ ભાષણ આપવાના કેસ છે. 29 ઉમેદવારો સામે મહિલા અત્યાચારના કેસ છે. એક સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. પાંચમા તબક્કાના 28 ઉમેદવારો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ચાર સામે હત્યાનો ગુનો નોંધાયો છે.
કયા પક્ષના કેટલા ઉમેદવારો કલંકિત?
વિગતો મુજબ BJPના 19, સપાના 5, શિવસેનાના 3, AIMIMના 2, કોંગ્રેસના 8, તૃણમૂલ કોંગ્રેસના 3, શિવસેના (UBT), RJD અને BJDના 1-1 ઉમેદવાર સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.
કઈ પાર્ટીના કેટલા કરોડપતિ?
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 227 કરોડપતિ ઉમેદવારોએ ચૂંટણી લડી રહ્યા છે. જેમાં સપામાંથી 10, શિવસેનાના 6, RJDના 4, NCP (શરદચંદ્ર પવાર)ના 2, ભાજપમાંથી 36, શિવસેના (UBT)ના 7, તૃણમૂલ કોંગ્રેસના 6, કોંગ્રેસમાંથી 15, BJDમાંથી 4 અને AIMIMના 4 ઉમેદવારો કરોડપતિ છે. તેમની સંપત્તિ 1 કરોડ રૂપિયાથી વધુ છે. ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 3.56 કરોડ રૂપિયા છે. એક ઉમેદવારે પોતાની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે.