Site icon Revoi.in

નીતિશ કુમારની સરકારના મંત્રીમંડળમાં અનેક મંત્રીઓ સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છેઃ રિપોર્ટમાં ખુલાસો

Social Share

નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમારે એનડીએનો સાથ છોડીને આરજેડી સહિતના પક્ષોની મદદથી નવેસરથી સરકાર બનાવી છે. તેમજ તાજેતરમાં જ મુખ્યમંત્રી પદે નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી પદ્દે તેજસ્વી યાદવે શપથ લીધા હતા. દરમિયાન બિહાર સરકારના નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓ પૈકી 72 ટકા મંત્રીઓએ પોતાના વિરુદ્ધ ક્રિમિનલ કેસો જાહેર કર્યાં છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ પણ કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. રાષ્ટ્રીય જનતા દળની સાથે મળીને સરકાર બનાવનાર મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે 31 મંત્રીઓને સામે કરી મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો.

એક સંસ્થાએ મંત્રીઓના સોગંદનામાને ધ્યાનમાં રાખીને એક અહેવાલ તૈયાર કર્યો છે. સંસ્થાએ મુખ્યમંત્રી સહિત 33માંથી 32 મંત્રીઓ દ્વારા 2020 વિધાનસભા ચૂંટણી દરમિયાન દાખલ એફિડેવિટનું વિશ્લેષણ કર્યું હતું. સંસ્થાના રિપોર્ટ પ્રમાણે જેડીયૂ નેતા અને કેબિનેટ મંત્રી અશોક ચૌધરીએ પોતાનું એફિડેવિટ જમા કરાવવાની જરૂર નથી, કારણ કે તે વિધાન પરિષદના નોમિનેટ સભ્ય છે. તેથી ક્રિમિનલ, નાણાકીય અને અન્ય વિગત સંબંધી તેમની જાણકારી જાહેરમાં ઉપલબ્ધ નથી.

રિપોર્ટ પ્રમાણે 23 મંત્રીઓ (72 ટકા) એ પોતાના વિરુદ્ધ ક્રિમિનલ કેસ જાહેર કર્યાં છે, જ્યારે 17 મંત્રીઓ (53 ટકા) એ પોતાના વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ મામલા જાહેર કર્યાં છે. 32 મંત્રીઓમાંથી 27 (84 ટકા) કરોડપતિ છે. તે પ્રમાણે સર્વાધિક સંપત્તિવાળા મંત્રી સમીર કુમાર મહાસેઠ છે, જે મધુબની સીટનું પ્રતિનિધિત્વ કરે છે. સમીરની સંપત્તિ 25.45 કરોડ રૂપિયા છે. તો સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રી મુરારી પ્રસાદ ગૌતમ છે, જેની સંપત્તિ 17.66 લાખ રૂપિયાની છે.

નીતિશ કુમારની સરકારના 8 મંત્રીઓએ પોતાની શૈક્ષણિક યોગ્યતા 8થી 12 ધોરણ સુધી જ્યારે 24 મંત્રીઓએ ગ્રેજ્યુએશન કે તેનાથી ઉપરનું શિક્ષણ હાસિલ કર્યું છે. નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી સાથે મળીને ફરીથી સરકાર બનાવી છે. બીજી તરફ ભાજપ દ્વારા નીતિશ કુમાર ઉપર સતત ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.