Site icon Revoi.in

સોશ્યલ મિડિયા પર ચૂંટણી પંચની બાજ નજર, અયોગ્ય પોસ્ટ, વિડિયો મુકનારા સામે ફોજદારી ગુનો નોંધાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ વહિવટી તંત્રનું સુકાન ચૂંટણી પંચે સંભાળી લીધુ છે. કોઈપણ નિર્ણય ચૂંટણી પંચને પૂછ્યા વિના લઈ શકાતો નથી. રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણી થાય અને લોકો મતાધિકારનો ઉપયોગ નિર્ભયતાથી કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. દરમિયાન સોશ્યલ મિડિયામાં અયોગ્ય પોસ્ટ કે વિડિયો મુકનારા સામે પણ બોજ નજર રાખવામાં આવી રહી છે. સમાજમાં વિભાજન કરે કે કોઈને ક્ષતિ પહોંચે તેવી પોસ્ટ મુકનારા સામે ફોજદારી ગુનોં નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર વાંધાજનક મેસેજ, પોસ્ટ, કે અન્ય માધ્યમથી લોકોની લાગણી દુભાય અથવા સીધી કે આડકતરી રીતે કોઈ રાજકીય પક્ષને લાભ કે નુકસાન થાય તેવા ઈરાદાથી કરાયેલી કોઈપણ પ્રવૃતિઓ પર નજર રાખવા માટે ચૂંટણી પંચે  સાઈબર ક્રાઈમના અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. જો કોઈ આવી પ્રવૃતિ કરતા જણાશે તો તેમની વિરુદ્ધ આઈપીસી અને અન્ય ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ચૂંટણીનો માહોલ છેલ્લા બે મહિનાથી જામ્યો છે. આ વખતે રાજ્યમાં માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરતા ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. દરેક રાજકીય પક્ષ મતદારોને આકર્ષવા માટે અલગ-અલગ વચનો આપી રહ્યા છે, અને તે વચનો લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના માધ્યમનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. રાજકીય કાવા-દાવામાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ જોવા મળી રહ્યો છે. કોઈ વ્યક્તિના જૂના ફોટા, અગાઉના નિવેદનો તેમણે કરેલી કોઈ વાત ટ્વીસ્ટ કરીને તેને ફરતા કરવાનો પ્રવાહ પણ વધ્યો છે. આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી પંચે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરી છે. સોશિયલ મીડિયામાં આવી કોઈપણ પ્રકારની પ્રવૃતિ કરવામાં કે દર્શાવવામાં આવતી હોય તો તેની સામે ભારતીય દંડ સહિતા તથા લોક પ્રતિનિધિ ધારો 1951 તથા ચૂંટણી આચારસંહિતા 1961 મુજબ કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચે નોડલ ઓફિસરોની તરીકે નિમણૂક કરી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ નાગરિકના ધ્યાને આવે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આચારસંહિતાનો ભંગ થતો હોય તેવી કોમેન્ટ, વીડિયો કે અન્ય રીતે પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય તેની માહિતી આપવા માટે વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે.