Site icon Revoi.in

અમદાવાદમાં ગુનેગારો બન્યાં બેફામઃ ભિક્ષુક પાસેથી હપ્તો ઉઘરાવાના રેકેટનો પર્દાફાશ

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યાં હોય તેમ ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદમાં રોડ ઉપર ભીક્ષાવૃતિ કરીને જીવન ગુજારતા લોકો પાસેથી હપ્તો ઉઘરાવવાનું કૌભાંડ સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. એક ભિક્ષૃક ઉપર થયેલા હુમલાના કેસમાં આ કૌભાંડ સામે આવ્યું હતું. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક ભિક્ષૃક ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. પોલીસ તપાસમાં શૌક્ત અલી નામના માથાભારે શખ્સે હુમલો કર્યો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી શૌક્ત છેલ્લા ચારેક મહિનાથી દરરોજ રૂ. 200નો હપ્તો ઉઘરાવતો હતો. બનાવના દિવસે શૌક્તઅલી અંસારી તેની પાસેથી હપ્તાની વસુલી માટે ગયો હતો. જો કે, ભિક્ષૃકે હપ્તો આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી અંસારીએ મારક હથિયાર વડે તેની ઉપર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત ભિક્ષૃકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. અંસારી અન્ય ભિક્ષૃકો પાસેથી હપ્તો ઉઘરાવતો હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ તેની સાથે અન્ય આરોપીઓની સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈને આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે. તેમજ અંસારીના અન્ય સાગરિતોને પણ ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.