ગુજરાત ઉપર સંકટના વાદળોઃ એવરેજ વરસાદની સરખામણીએ 58 ટકા વરસાદની ઘટ
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ જળાશયોમાં નવા પાણીની આવક નહીં થતા આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ચાલુ વર્ષે સિઝનનો કુલ વરસાદના 41 ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે. જેની સામે ચોમાસાની સિઝનના કુલ એવરેજ વરસાદની સરખામણીએ હજુ 58.20 ટકા વરસાદની ઘટ છે. આ વખતે ઓગસ્ટના 28 દિવસમાં માત્ર ૨ ઈંચ જ વરસાદ વરસ્યો છે જેની સામે ગત વર્ષે 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં છેલ્લા બે વર્ષથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનો કોરો રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં વર્ષ 2019માં ઓગસ્ટ મહિનામાં 17.29 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટ મહિનાના 28 દિવસમાં સરેરાશ 36 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે સૌથી નબળુ ચોમાસુ રહ્યું છે. વરસાદની અછતના કારણે ખેડૂતોની હાલત ઘણી કફોડી બની ગઈ છે. રાજ્યના તમામ જળાશયોમા પાણી ખુટવા લાગ્યું છે. જોકે હજુ પણ આગામી ચાર-પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની કોઈ શક્યતાઓ જણાતી ન હોવાનું હવામાન ખાતા દ્વારા જાહેર કરાયું છે. હવામાન ખાતાની આગાહી મુજબ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જ વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ છે. આમ અત્યાર સુધી રાજ્યમાં સારો વરસાદ થયો નથી અને હજુ ક્યારે થશે એ પણ નક્કી નથી.