દિલ્હીઃ વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરિઝ રમશે. બીજી તરફ ભારતની શિખર ધવનની આગેવાની હેઠળ અન્ય ટીમ શ્રીલંકામાં તેની જ ધરતી ઉપર સિમિત ઓવરની મેચમાં પડકાર ફંકવાની તૈયારી કરી રહી છે. જો કે, સીરિઝના આયોજનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શ્રીલંકાના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરને કોવિડ-19 પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 13મી જુલાઈથી ત્રણ વન-ડે અને 3 ટી-20 મેચની સીરિઝ રમાશે. આ દરમિયાન શ્રીલંકાની ટીમ હાલ આઈસોલેટ છે. જ્યારે ફ્લાવરને ટીમથી અલગ રાખવામાં આવ્યાં છે.
શ્રીલંકા ક્રિકેટએ જણાવ્યું હતું કે, શ્રીલંકા રાષ્ટ્રીય ટીમના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફ્લાવરને કોરોનાની બીમારીના સામાન્ય લક્ષણો જોવા મળતા જ પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ટીમથી અલગ કરાયાં છે. હાલ શ્રીલંકાની ટીમ આઈસોલેટ છે. ટીમ તાજેતરમાં જ ઈંગ્લેન્ડના પ્રવાસથી પરત આવી છે.
ટીમ ઈન્ડિયા માટે આ પહેલો મોકો છે કે જ્યારે શિખર ધવનને કપ્તાની શોપીને પ્રવાસ મોકલવામાં આવ્યાં હોય. આ ઉપરાંત ટીમના કોચ રાહુલ દ્રવિડને બનાવવામાં આવ્યાં છે. આ ટીમમાં યુવા અને સિનિયર ખેલાડીઓનું જોરદાર મિશ્રણ જોવા મળે છે.