Site icon Revoi.in

મહેસાણાના 41 ગામમાં પાણીની વિકટ સમસ્યા, ‘પાણી નહીં તો વોટ નહીં’ની ચીમકી

Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના અનેક ગામમાં પાણીની વિક્ટ સમસ્યા સર્જાઈ છે. સતલાસણા તાલુકાના 41 ગામમાં પાણીની છેલ્લા એકાદ મહિનાથી પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેથી ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે અને વિશાળ બાઈક રેલી યોજીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાણી નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સતલાસણા તાલુકાના 41 ગામમાં છેલ્લા એકાદ મહિનાથી પાણીની વિક્ટ સમસ્યા ઉભી થઈ છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં નારાજગી ફેલાઈ છે અને પાણી માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે દરમિયાન સતલાસણાના સુદાસણા ગામથી ખેરાલુ તાલુકાના લુણવા ગામ સુધી વિશાળ બાઇક રેલી યોજી હતી. તેમજ  ગામેગામ ‘પાણી નહીં તો વોટ નહીં’ના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ચીમનાભાઈ સરોવર ભરવાની માંગણી કરી છે. જો પાણીની સમસ્યા દૂર નહીં કરવામાં આવે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉત્તર ગુજરાતના અનેક ગામમાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. દરમિયાન પાણીની સમસ્યાને પગલે સતલાસણા તાલુકાના 41 ગામના લોકોએ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે.