નવી દિલ્હીઃ સંદેશખાલીમાં ED ટીમ પર હુમલાના આરોપનો સામનો કરનાર ટીએમસીના પૂર્વ નેતા શાહજહાં શેખનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રડતો જોવા મળ્યો હતો. તેમનો રડતો વીડિયો જોયા બાદ ભાજપે તેમની ઉપર કટાક્ષ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, ઘમંડ દૂર થઈ ગયો છે. નાણાકીય ભ્રષ્ટાચાર કેસની તપાસમાં સહકાર ન આપવા બદલ શાહજહાંની ધરપકડ કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીના શાહજહાં પર મહિલાઓ વિરુદ્ધ જાતીય હિંસા અને જમીન પચાવી પાડવાનો આરોપ છે. 29 ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં હાજરી દરમિયાન, તે ઘમંડી રીતે ચાલતો જોવા મળ્યો હતો અને ત્યાં ઉભેલા લોકોને કેટલાક સંકેતો પણ કર્યા હતા. જેના પર લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
પરંતુ હવે આ શાહજહાં શેખનો રડતો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોલીસ વાનમાં બેઠો છે. તેમના પરિવારના સભ્યો અને કેટલાક સમર્થકો પણ વેનની આસપાસ ઉભા જોવા મળ્યા હતા. દીકરીને જોઈને શાહજહાં રડવા લાગ્યો હતો. તેમજ તેમના પરિવારના સભ્યો પણ રડી પડ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ બીજેપી અને અન્ય વિપક્ષના લોકોએ તેને ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું.
શાહજહાં શેખનો રડતો વીડિયો જોયા બાદ બીજેપી આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ કહ્યું છે કે, આ સ્વેગ હવે ગાયબ થઈ ગયો છે. ઘમંડ દૂર થઈ ગયો. મમતા બેનર્જીનો પોસ્ટર બોય રેપિસ્ટ શેખ માસૂમ બાળકની જેમ રડી રહ્યો છે. હવે તેમને બચાવવા કોઈ આવ્યું નથી, ખુદ મમતા બેનર્જી પણ નહીં. તે પોતાના મંત્રીઓને પણ બચાવી શકી નથી. કાયદાની પક્કડ એવી છે કે તેને કોઈ બચાવનાર નથી.
EDનો દાવો છે કે, બંગાળ રાશન વિતરણ કૌભાંડ અંદાજે 10 હજાર કરોડ રૂપિયાનું છે. આ કેસમાં બંગાળના પૂર્વ મંત્રી જ્યોતિપ્રિયા મલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે બાણગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આદ્યનું નામ પણ સામે આવ્યું છે.