Site icon Revoi.in

વડોદરામાં પાણી ઉતરતા જ મગરો રોડ પર આવ્યા, ઘરમાં ઘૂંસેલા 10 ફુટના મગરનું રેસ્ક્યુ કરાયું

Social Share

વડોદરાઃ શહેરમાં પૂરની વિકટ સ્થિતિ બાદ હવે વિશ્વામિત્રી નદીના પાણી ઓસરવા માંડ્યા છે, રોડ રસ્તાઓ પરથી પાણી ઉતરતા જ હવે મસમોટા મગરો રોડ પર ટહેલવા નીકળ્યા હોય તેમ આંટાફેરા મારી રહ્યા છે. ત્યારે શહેરના ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે કામનાથ નગરમાં એક મહાકાય 10 ફુટનો મગર આવી જતા લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ દોડી ગઈ હતી, અને ત્રણ કલાકની ભારે જહેમત બાદ મગરને પકડીને પાંજરે પૂર્યો હતો.

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે પૂરના પાણીની સાથે સાથે મગરો પણ બહાર નીકળી આવ્યા છે અને જાહેરમાં ફરતા દેખાઈ રહ્યા છે. જેથી નગરજનોના માથે વધુ એક જોખમ સર્જાયું છે. શહેરના ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે કામનાથ નગરમાં પૂરના પાણી ઓસરતા એક મહાકાય મગર એક ઘરમાં ધુંસી ગયો હતો. દરમિયાન આ અંગે વન ભાગને જાણ કરાતા વન વિભાગની ડીમ દોડી આવી હતી. અને મગરનું રેસ્ક્યુ કરવામાં ખુબ જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક યુવકોનો પણ વન વિભાગની ટીમને સારો એવો સહકાર મળ્યો હતો. જવલ્લે જ જોવા મળતા 10 ફૂટના મહાકાય મગરને પાંજરે પુરતા નાકેદમ આવી ગયો હતો. સારા નસીબે મગરે કોઈને નુકસાન કર્યું નહોતું.

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરનો મોટા પ્રમાણમાં વસવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અવારનવાર ચોમાસાની ઋતુમાં મગર દેખાવા એ વડોદરાવાસીઓ માટે નવાઈની વાત નથી. વરસાદ બંધ થતાં વિશ્વામિત્ર નદીનું જળસ્તર ઘટી રહ્યું છે, ત્યારે મગર લટાર મારવા માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જો કે, આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.